રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ, વલસાડ, પોરબંદર અને ભાવનગરમાં હિટવેવની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરી છે. આ ઉપરાંત રાજ્યના ચાર જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કામ વિના બહાર નહીં નીકળવા માટે લોકોને તાકીદ કરી છે. દેશના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કેટલાક જિલ્લાઓનું તાપમાન 41 ડિગ્રી ઉપર જતા યલો અલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ આગામી ચાર દિવસ કચ્છ, વલસાડ, પોરબંદર, દિવ અને ભાવનગરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હિટવેવના તમામ જિલ્લાઓનું તાપમાન 41 ડિગ્રીથી ઉપર જવાની શક્યતા છે. અમરેલીમાં રાજ્યનું સૌથી વધુ 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે અમદાવાદનું મહત્તમ તાપમાન 41 અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શકયતા છે.
કેરળમાં પણ ભીષણ ગરમી પડી રહી છે જેના કારણે કેરળ રાજ્ય સરકારે 6 મે સુધી દરેક શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. હવામાન વિભાગ સાથેની બેઠક બાદ સરકારે આ નિર્ણય લીધો છે. અને લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ અનુરોધ કરવામાં આવેલ છે. તે સાથે જ બપોરે 11 થી 3 સુધી બહાર ન નીકળવા સુચન પણ અપાયું છે અને જંગલોમાં લાગવાવાળી આગથી સાવધાની રાખવા પણ જણાવવામાં આવ્યું છે.