અમદાવાદઃ ગુજરાતમાં ફાગણ અને ચૈત્ર મહિનો વિત્યા બાદ હવે ઉનાળો એકરો બની રહ્યો છે. અને સોમવારે તાપમાનનો પારો 42 ડિગ્રી નજીક પહોંચી ગયા બાદ આજે મંગળવારે કાળઝાળ ગરમીનો કહેર યથાવત રહ્યો હતો. દરમિયાન ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે, કે હજુ પાંચ દિવસ ગરમીમાં રાહત મળવાની કોઈ જ શક્યતા નથી.ઉલ્ટાનું તાપમાન 42 ડિગ્રીને વટાલી જશે. એટલે કે તાપમાનમાં વધારો થશે. મંગળવારે દિવસ દરમિયાન ગરમ-સૂકા પવનો ચાલુ રહ્યા હતા, અમરેલીમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું જ્યારે અમદાવાદમાં પણ ગરમીનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો હતો.
ગુજરાતમાં અડધો ઉનાળો વિત્યા બાદ ગરમીનો કહેર વધતો જાય છે. આગામી પાંચ દિવસ ગરમીનું અસહ્ય મોજું યથાવત રહેશે.અને આકાશમાંથી આગના ગોળા વરસરશે. હવામાન ખાતાની આગાહી મુજબ, આગામી 5 દિવસ રાજ્યમાં 40થી 42 ડિગ્રી ગરમી પડશે. હવામાન ખાતાના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી 5 દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર નહીં જોવા મળે. 5 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહિ થાય તાપમાનનો પારો 40 થી 42 ડિગ્રી આસપાસ રહેશે. ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં તાપમાન 40 થી 42 ડિગ્રી આસપાસ રહેશે.
અમદાવાદમાં મંદળવારે સવારના 10 વાગ્યાથી જ ગરમી અને બફારાનું પ્રમાણ વર્તાયું હતું. તેની સાથે ગરમ અને સુકા પવનો ચાલુ રહેતાં બપોરના 1.30 કલાક પછી આકાશમાંથી અગન જવાળા વરસતી હોય તેવો લોકોએ અનુભવ કર્યો હતો. બપોરના 1 વાગ્યાથી લઇને સાંજના 5.30 સુધી શહેર અગન ભઠ્ઠીમાં ફેરવાયું હતું. જેમાં બપોરે 3.30થી સાંજે 5.30 કલાક દરમિયાન ગરમીનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો હતો. 42 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. એ પછી અમદાવાદ બીજા ક્રમે આવ્યું હતું.
ગુજરાત સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો. સોમવારે રાજસ્થાનના ચુરુ (42.2 ડિગ્રી) કરતાં અમદાવાદના ઍરપોર્ટ વિસ્તારમાં (42.7 ડિગ્રી) વધુ તાપમાન નોંધાયું હતું જ્યારે અમદાવાદ શહેરમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગે 4 દિવસ દેશના કેટલાક વિસ્તારમાં હિટ વેવની આગાહી કરી હતી.