નવી દિલ્હીઃ ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. રાજસ્થાનમાં ભીષણ ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે. રાજસ્થાનના ચાર જીલ્લાઓમાં ભીષણ ગરમીમાં 4 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. રાજ્યની સરકારી હોસ્પિટલના દરેક ડોકટરો અને પેરા મેડીકલ સ્ટાફની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. રાજસ્થાનમાં તાપમાન સતત બીજા દિવસે 48 ડીગ્રીથી વધુ નોંધાયું હતું. રાજસ્થાનમાં મોટા ભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબના કેટલાક શહેરોમાં પણ તાપમાન 45 ડીગ્રીને પાર પહોંચ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક દિવસો માટે ભયંકર લુની ચેતવણી જાહેર કરેલ છે. દિલ્હી , હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં આગામી પાંચ દિવસ સુધી આજ સ્થિતિ બની રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે. 24 મે ગુરૂવારના રોજ અમદાવાદનું તાપમાન 46.6 ડિગ્રી નોંધાયું હતું. આ ભીષણ ગરમીમાં અમદાવાદીઓએ આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો અનુભવ કર્યો હતો.
આ અંગ દઝાડતી ગરમીનો સૌથી વધુ ભોગ અમદાવાદના શ્રમિકો બની રહ્યા છે. શ્રમિકોને ગરમીથી બચાવવા માટે અમદાવાદ મહાનગર પાલિકા સતત કામ કરી રહી છે. મહાનગર પાલિકાના સીએનસીડી વિભાગ દ્વારા અત્યારે શ્રમિકોને ગરમીમાંથી રાહત મળે તે માટે ઓઆરએસના પેકેટનું વિનામુલ્યે વિતરણ શરૂ કરાયું છે.
આગાહી પ્રમાણે અમદાવાદમાં હજુ પણ 4 દિવસ આકરી ગરમી પડવાની છે ત્યારે મહાનગર પાલિકા દ્વારા ગરમીથી બચવા માટે માહિતી દર્શક પેમ્પલેટનું પણ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે જેથી હીટ સ્ટ્રોક થાય કે લુ લાગી જાય તો કેવી રીતે બચી શકાય તેની માહિતી પત્રિકામાં આપવામાં આવી છે.