અમદાવાદઃ ગુજરાતમાં સૂર્ય નારાયણ કોપાયમાન થયા હોય તેમ આકાશમાંથી અંગારા વરસાવતી ગરમીથી લોકો આકૂળ-વ્યાકૂળ બની ગયા છે. ગુરૂવારે અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીએ પહોચ્યું હતું. જ્યારે ભૂજ અમરેલી, રાજકોટ અને ડીસામાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતું. આજે શુક્રવારે પણ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. ત્યારબાદ શનિવારથી ત્રણ દિવસ બાદ રાજ્યના કેટલાક વિસ્તારમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત સામાન્ય વરસાદની શક્યતાઓ છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ કાલે શનિવારથી એટલે કે, તા. 11થી 13 મે દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત માવઠાની શક્યતા છે, જેમાં 11 મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે 12 મેના રોજ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણમાં છૂટો-છવાયો સામાન્ય વરસાદ રહેશે. તેમજ 13 મેએ સુરત, નર્મદા, દાહોદ, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત સામાન્ય વરસાદની શક્યતાઓ છે.
હવામાન વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકિનારા વિસ્તારમાં ગરમ અને ભેજયુક્ત પવનો ફૂંકાવાથી ત્યાંના રહેવાસીઓને ડિસ્કમ્ફર્ટનો અનુભવ થશે. હાલમાં ગુજરાત પર દક્ષિણ પશ્ચિમી અને પશ્ચિમ દિશા તરફથી પવન ફુંકાઈ રહ્યા છે તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. આ ઉપરાંત હાલમાં અરબ સાગર તરફ સિસ્ટમ સક્રિય થઈ હોવાથી આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.
અમદાવાદ શહેરમાં ગુરૂવારે મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે સુક્રવારે પણ શહેરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ શકે છે. જ્યારે ગાંધીનગર શહેરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.