Site icon Revoi.in

ગુજરાતમાં હીટવેવની આગાહીઃ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર રહેશે

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવે રાજ્યમાં ફરી એકવાર હિટવેવનો વધુ એક રાઉન્ડ આવશે. પવનની દિશા બદલતાં ગરમીમાં બે ડિગ્રી જેટલો વધારો થવાની શકયતા છે. કચ્છ, ડીસા, સુરેન્દ્રનગરમાં બે દિવસમાં આકરી ગરમી પડવાની આગાહી કરાઈ છે. જ્યારે ત્યારે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, કંડલા, અમરેલી, ગાંધીનગર અને ભુજમાં 40 ડિગ્રીથી વધારે ગરમી નોંધાઈ હતી. જ્યારે ગરમીના આ રાઉન્ડમાં રાજ્યના અમદાવાદ સહિતના પાંચ શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે. કેરળ સહિત સમગ્ર દેશમાં આ વખતે પાંચેક દિવસ વહેલુ ચોમાસું આવે તેવી શકયતા છે. ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહમાં મેઘરાજાની એન્ટ્રી થશે. જેથી હવે આગામી દિવસોમાં પ્રિ-મોનસુન એક્ટીવીટિનો પ્રારંભ થશે. જેથી રાજ્યની જનતાને ગરમીમાં થોડી રાહત મળશે. જો કે, હાલના 72 કલોકના આકરા તડકાની આગાહીને પગલે લોકોને બપોરના સમયે કામ વગર બહાર નહીં નિકળવા માટે અપીલ કરાઈ છે. અંદાજ પ્રમાણે કેરળમાં 27મી મેથી પહેલી જૂનના રોજ નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ શકે છે. કેરળમાં વરસાદના આગમન બાદ સામાન્ય રીતે 15-20 દિવસમાં ગુજરાતમાં પણ વરસાદનું આગમન થતું હોય છે.તો આ વર્ષે પણ દેશમાં ચોમાસું સામાન્ય રહેશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં પડી રહેલી આકરી ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી રહ્યાં છે અને હવે ગરમીમાંથી ઝડપથી રાહત મળે તે માટે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.