સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવ, 38 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આગમન સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન બપોરના સમયે લોકો ઓફિસ અને ઘરમાંથી કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળાના આરંભની સાથે જ હિટવેવ નોંધાયાનું જાણવા મળે છે. રાજકોટમાં 39.3, ભુજમાં 39.1, સુરેન્દ્રનગરમાં 38.8, પોરબંદરમાં 37.3, કેશોદમાં 38 અને અમદાવાદમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શકયતા છે અને ગરમીનો પારો 40 ડિગ્રી નજીક પહોંચવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
ગુજરાતમાં ઉનાળાના આરંભની સાથે જ આકાશમાંથી સૂર્યનારાયણ અગનગોળા વરસાવી રહ્યાં હોય તેમ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સરેરાશ 37 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. આગાહી મુજબ આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પોરબંદર હિટવેવ નોંધાયું છે. તેમજ બે દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પોરબંદર અને ગીર સોમનાથમાં હિટવેવ રહેશે. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી વધવાની શકયતા છે. જેથી લોકોને સાબદા રહેવા માટે તબીબોએ અપીલ કરી છે.