સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંન્ટ, ઊંચા મોજા ઉછળતાં માછીમારો મુકાયા મુશ્કેલીમાં
અમરેલીઃ રાજ્યભરમાં ભાદરવામાં અષાઢી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. અને માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. જોકે માછીમારીની સિઝન ચાલુ થઈ ગઈ હોય મોટાભાગની બોટ હાલ દરિયામાં છે. સૌરાષ્ટ્રમાં બે દિવસથી વાતાવરણ ખરાબ થતા દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના કારણે માછીમારો હાલ મહામુસીબતે કિનારા તરફ પરત ફરવા લાગ્યા છે. અમરેલીના દરિયામાં કરંટના કારણે માછીમારોની બોટ ઊછળતી જોવા મળી હતી.
અમરેલીથી 40 નોટિકલ માઈલ દૂર દરિયો તોફાની બન્યો છે. અને ઝડપથી ભારે પવન ફુંકાય રહ્યો છે. દરિયો તોફાની બનતા માછીમારી કરવા ગયેલા માછીમારોની મુશ્કેલી વધી છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી હોય તંત્ર દ્વારા માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. જેના કારણે હાલ માછીમારો અમરેલીના જાફરાબાદ, પીપાવાવ બંદર પર પરત ફરવા લાગ્યા છે. દરિયામાં કરંટના કારણે માછીમારી બોટ ઉછળતી જોવા મળી રહી છે.
હાલ રાજ્યભરમાં ચોમાસું જામ્યું હોય વરસાદી સીઝનમાં હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી અનુસાર તા.13થી 17 સપ્ટેમ્બર સુધી રાજ્યના કોસ્ટલ ઝોનમાં 40થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ જોતા દરિયાનાં પાણીમાં કરન્ટ તેમજ કાંઠાળા વિસ્તારમાં ઉંચા મોજા ઉછળવાની શક્યતાઓ છે. તમામ માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે.