અમદાવાદઃ કોઈપણ નાના-મોટા શહેરમાં જાહેર શૌચાલયો ક્યારેય સ્વચ્છ જોવા મળતા નથી. એટલું જ નહીં પણ જાહેર શૌચાલયો પર જાહેરાતો પણ લગાવવામાં આલી હોય છે. અમદાવાદ શહેરમાં પણ જોહાર શૌચાલયોમાં આ ન્યુસન્સ જોવા મળી રહ્યું છે. ત્યારે સ્વચ્છતાના અતિ આગ્રહી એવા મ્યુનિ.કમિશનરે જાહેર શૌચાલયોમાં ગંદકી કરનારા તેમજ શૌચાલયોમાં જાહેરાતો લગાવનારા સામે કડક પગલાં લેવા નિર્દેશ આપ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરને સ્વચ્છ બનાવવા માટે ખાસ મિશન ઉપાડ્યું છે. જેમાં જાહેર રસ્તાઓને સ્વચ્છ રાખવા માટે ઝોન પ્રમાણે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. અધિકારીઓને માત્ર દિવસે જ નહીં પણ રાત્રે પણ રાઉન્ડ લેવા સુચના આપવામાં આવી છે. તેમજ જાહેર શૌચાલયોને પોસ્ટરો લગાવીને ગંદા કરનારા સામે પણ લાલ આંખ કરી છે. શૌચાલય પર પોસ્ટરો લગાવનારા લોકો સામે દંડ વસુલવામાં આવશે. તાજેતરમાં ખાડિયામાં AMC ના જાહેર શૌચાલયમાં પોસ્ટર લગાવી ગંદકી ફેલાવતા એક વ્યક્તિ પાસેથી ₹7,500 દંડ વસૂલાયો હતો. સાથે જ એએમસીએ જણાવ્યું કે, હવેથી આ રીતે ગંદકી ફેલાવનારા પાસેથી સખત દંડ વસૂલવામાં આવશે. શહેરમાં જાહેરમાં ગંદકી ફેલાવનારા દુકાનદારો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરાશે. શહેરના રસ્તાઓ પર સફાઈ માટે અધિકારીઓને સૂચના પણ આપી છે. ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. શહેરની સોસાયટીઓની બહાર કચરો હશે તો પણ 10 હજાર રૂપિયાનો દંડ કરાશે. આ માટે એક ઝુંબેશ ચલાવાશે. જેના માટે 30-30 સભ્યોની 100 ટીમ બનાવવામાં આવી છે. મ્યુનિ.ના તમામ અધિકારીઓને રાત્રે રાઉન્ડ લેવાની સુચના આપવામાં આવી છે. એટલું જ નહીં અધિકારીઓને રાત્રે રાઉન્ડની કામગીરીનો રોજેરોજ રિપોર્ટ આપવાની પણ સુચના આપવામાં આવી છે. તમામ વેપારીઓને કચરા માટે ડસ્ટબિન રાખવા અને કચરો જાહેરમાં ન ફેંકવાની અપિલ પણ કરવામાં આવી છે.