રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પલટાયેલા વાતાવરણ બાદ કડકડતી ઠંડીમાં વધારો થયો છે. જોકે હવે આજથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થશે. આજે વહેલી પરોઢે રાજકોટ શહેરમાં ગાઢ ધૂમ્મસ સર્જાયું હતું. તેના લીદે વિઝિબીલીટી ઘટી ગઈ હતી. રાજકોટ શહેરની સાથે ગોંડલ, જસદણ અને વીરપુરમાં વહેલી સવારે 100 ફૂટ દૂર ન દેખાઈ એટલી ગાઢ ધુમ્મસ છવાઈ હતી. વિઝિબિલિટી ઘટતા હાઈવે પર પસાર થતા વાહનચાલકોને પરેશાની થઈ ગયા હતા. અને પોતાના વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. તેમજ સવારમાં ઠંડો પવન ફૂંકાતા લોકોએ પણ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.
રાજકોટ શહેરમાં આજે સવારથી સૂર્યદેવ વાદળોમાં છૂપાયેલા રહેતા વાદળીયા માહોલમાં હવામાં ભેજના વધારા સાથે ઠંડો પવન ફુંકાવો શરૂ થતા દિવસભર ટાઢોડુ રહેતા લોકોએ સ્વેટર, ટોપી, શાલ, મફલરનો સહારો લેવો પડયો હતો. ઠંડકથી રાજકોટ શહેરમાં હીલ સ્ટેશન સમા દ્દશ્યો જોવા મળ્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્ર સાથે રાજકોટ શહેરમાં આજે સૂર્યદેવ વાદળોમાં છુપાયેલા રહ્યા હતા. જ્યાં વીરપુર, ગોંડલ,જસદણ અને આટકોટ પંથકમાં આજે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા નહોતા. ગાઢ ધુમ્મસને કારણે વાતાવરણમાં વરસાદી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં સવારે ગાઢ ધુમ્મસ અને ઝાકળને કારણે શિયાળુ પાક જીરાને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઇ રહી છે. આથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. ગાઢ ધુમ્મસની અસર સૌથી વધારે જીરાને પાકને થાય છે. ગાઢ ધુમ્મસને કારણે ધૂંધળુ વાતાવરણ જોવા મળ્યું હતું.