દેશના અનેક શહેરો માં ભારે વરસાદનું એલર્ટ
નવી દિલ્હીઃ હવામાન વિભાગ દ્વારા દેશના ઘણા ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ગોવા, કોંકણમાં ભારે વરસાદની આગાહી છે. તો તટીય કર્ણાટક, કેરળ, માહેમાં મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન તેમજ હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારમાં 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ઉતરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં તેમણે રાહત અને બચાવકાર્ય ઝડપી બનાવવાના આદેશ આપ્યા હતા. તેમજ કેદારનાથના રસ્તાનું સમારકામ કરવાના પણ આદેશ આપ્યા છે. હિમાચલના શિમલા અને મંડીમાં પણ ભારે વરસાદથી થયેલા ભૂસ્ખલનમાં ફસાયેલા સમેજ ગામના 90 લોકોનો સેનાના ચિકિત્સા શિબિરમાં સારવાર ચાલી રહી છે. સેનાએ અહીં જીવનજરૂરી વસ્તુ, દવાઓ તેમજ ભોજન પહોંચાડવા અસ્થાયી પુલ પણ બનાવ્યો છે.