નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે આજે મધ્ય પ્રદેશ, છત્તીસગઠ, પંજાબ, પૂર્વ તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા અને જમ્મુ તથા હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ ઓડિશા અને કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ હવામાન વિભાગે કોંકણ અને ગોવામાં પણ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો મુંબઇમાં ગત રાત્રે પડેલા વરસાદને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થયો છે.
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં સતત મુશળધાર વરસાદને કારણે સ્થિતિ ખરાબ છે. હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે 17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ આ સપ્તાહના અંતમાં શિમલાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ માટે એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. IMD અનુસાર, હિમાચલ પ્રદેશમાં 1 જુલાઈથી 12 જુલાઈ સુધી 81.8 mm વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 85.6 mm વરસાદ કરતાં 4 ટકા ઓછો છે. રાજ્યમાં ગયા અઠવાડિયે વરસાદ પછી, શિમલામાં 4, મંડી અને કાંગડા જિલ્લામાં 3-3 સહિત કુલ 10 રસ્તાઓ બંધ છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના 7 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે.