અમદાવાદ: ગુજરાતના 6 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે સ્થિતિ બદતર બની રહી છે. રાજ્ય હવામાન વિભાગે રવિવાર સુધીમાં રાજ્યના છ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી છે અને છ જિલ્લામાં હવામાન વિભાગનું રેડ એલર્ટ અપાયું છે. શનિવારે જુનાગઢ અને નવસારીમાં અતિભારે વરસાદ પડ્યો હતો. જ્યારે અમદાવાદ સહિત અનેક સ્થળોએ બારે વરસાદ પડ્યો હતો. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયેલા છે. અને આજે રવિવારે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ છે.
રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રવિવારે વલસાડ, નવસારી, સુરત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે જામનગર, દ્વારકા, કચ્છમાં પણ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ભારે વરસાદ પડવાની આગાહીને લીધે એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે. જિલ્લાના અધિકારીઓને પણ એલર્ટ રહીને કન્ટોલરૂમ સાથે સંપર્કમાં રહેવાની સુચના આપવામાં આવી છે.
દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદનો યથાવત છે. થોડા કલાકોના વિરામ બાદ મેઘરાજાએ ફરી તોફાની બેટિંગ શરૂ કરી હતી. ખંભાળિયા પંથકમાં બે કલાક માં ચાર ઇંચ વરસાદ અને દ્વારકા એક ઇંચ ધોધમાર વરસાદ ખાબકતા ચારે બાજુ પાણી પાણી થયા હતું. ખંભાળિયા મહાપ્રભુજી બેઠકમાં પાણી ભરાયા હતા. વૃજ ધામ સોસાયટી તરફ જવાના પુલ પરથી પાણી ફરી વળ્યા હતું. દ્વારકાના ખંભાળિયા પંથકમાં પડી રહેલા વરસાદને પશુધનને પણ હાલાકી જોવા મળી હતી. ખંભાળિયામાં વરસાદી પાણીમાં 10થી વધુ ગાયો તણાઈ હતી. ધોધમાર વરસાદને પગલે ખંભાળિયા શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. રામનાથ, નગર ગેટ, જોધપુર ગેટ, સોની બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.