Site icon Revoi.in

મધ્ય અને ઉત્તર ભારતમાં ભારે વરસાદની આગાહી, બિહારમાં વરસાદને લઈ ‘ઓરેન્જ એલર્ટ’

Social Share

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ બિહારમાં ભારે વરસાદ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કર્યું છે, જ્યારે શુક્રવારે અતિ ભારે વરસાદ માટે ‘રેડ એલર્ટ’ની આગાહી કરવામાં આવી છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, દિલ્હી-NCR અને અન્ય વિસ્તારો સહિત ઉત્તર અને ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદની ગતિવિધિમાં વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગે 11 જુલાઈ, ગુરુવારે બિહાર અને ઉત્તર પ્રદેશના ભાગોમાં ભારે વરસાદ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કર્યું છે.

નવી દિલ્હી સ્થિત પ્રાદેશિક હવામાન કેન્દ્ર અનુસાર, દિલ્હી-NCRમાં ગુરુવારે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રે ગુરુવારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરી છે. IMD અધિકારીઓએ બુધવારે સંકેત આપ્યો હતો કે આગામી દિવસોમાં દિલ્હીમાં વરસાદની તીવ્રતા વધવાની ધારણા છે.

ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારો પૂરથી પ્રભાવિત થયા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે શારદા નદીમાં પૂરના કારણે લખીમપુર ખેરીના ઘણા ગામો પ્રભાવિત થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે કહ્યું કે રાજ્યના 12 જિલ્લા હાલમાં પૂરથી પ્રભાવિત છે. તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ અને રાહત કામગીરી ઝડપથી ચાલી રહી છે. બીજી તરફ સીએમ યોગી આદિત્યનાથ આજે તેરાઈ ક્ષેત્રના શ્રાવસ્તી જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. વીજળી પડવાથી પ્રતાપગઢમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે સુલ્તાનપુરમાં છ અને ચંદૌલી જિલ્લામાં પાંચ લોકોના મોત થયા હતા. રાજ્યના 12 જિલ્લાના 633 ગામો પૂરની તબાહીનો સામનો કરી રહ્યા છે. પૂરના કારણે હજારો એકર ખેતીની જમીન પાણીમાં ડૂબી ગઈ છે અને લગભગ 8 લાખ લોકો પ્રભાવિત થયા છે. મૈલાની જંકશનથી ગોંડાને જોડતી રેલ્વે લાઇન પાણીમાં ડૂબી ગઈ છે, જ્યારે બારાબંકીને ગોંડા, બહરાઈચ અને નેપાળના અન્ય સરહદી જિલ્લાઓને જોડતા એલ્ગીન રોડ બ્રિજમાં તિરાડો પડી ગઈ છે. રાહત અને બચાવ દળોએ 10,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. ડીસીપી નોઈડા મનીષ કુમાર મિશ્રાના જણાવ્યા અનુસાર ચોમાસાની મોસમમાં ભારે વરસાદ અને યમુના નદીમાં જળસ્તર વધવાની સંભાવનાને કારણે ચેતવણી જારી કરવામાં આવી છે.

હવામાન વિભાગે બિહારમાં ભારે વરસાદ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે, જ્યારે શુક્રવારે ભારે વરસાદ માટે ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. ગુરુવાર, 11 જુલાઈના રોજ બિહારમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. વધુમાં, હવામાન વિભાગે કોંકણ અને ગોવા ક્ષેત્ર માટે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કર્યું છે, જેમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

IMD અનુસાર, 11-12 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી અને રાજ્યમાં અચાનક પૂરની શક્યતા સાથે ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવતાં, 20 જુલાઈથી વરસાદની પ્રવૃત્તિમાં વધારો થવાની ધારણા છે. આસામમાં પૂરને કારણે ખેતીની જમીન, ખરીફ પાક અને મત્સ્યોદ્યોગ સહિતની માળખાકીય સુવિધાઓને નોંધપાત્ર નુકસાન થયું છે. આ પૂરમાં કાઝીરંગા નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 107 વન્ય પ્રાણીઓના મોત થયા છે. પૂર અને વધતા પાણીને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં માર્ગ વાહનવ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. પરિસ્થિતિમાં સુધારો થયો હોવા છતાં, 27 જિલ્લામાં હજુ પણ 14 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર પ્રભાવિત લોકોમાં ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

હવામાન વિભાગે રવિવાર સુધી કોંકણ અને ગોવા, મહારાષ્ટ્રના મધ્ય ભાગો અને તટીય કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં પણ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આજે ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય અને બિહારમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે.