અમદાવાદઃ રાજ્યમાં મેઘરાજાએ લાંબા સમયથી વિરામ લીધો હોવાથી ખેડૂતો ખેતરમાં ઉભા પાકને લઈને ચિંતામાં મુકાયાં છે. તેમજ સરકારને કેનાલ મારફતે પાણી પુરુ પાડવા અને વીજ પુરવઠો વધારવાની ખેડૂતો માંગણી કરી રહ્યાં છે. દરમિયાન આગામી 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શકયતા છે. રાજ્યમાં અતાયર સુધીમાં લગભગ 82 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. સૌથી વધારે કચ્છમાં 136 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સારા વરસાદને પગલે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ લગભગ 80 ટકા જેટલો ભરાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, તો સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓના છૂટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે. આ ઉપરાંત 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટશે જ્યારે હાલ દક્ષિણ ગુજરાતમાં ભેજના કારણે વરસાદ થવાની શક્યતા છે. કચ્છમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહિવત છે.
હાલ રાજ્યમાં કોઈ જ સિસ્ટમ સક્રિય નથી જેના કારણે આગામી સમયમાં વાતાવરણમાં ભેજ ઘટતા તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.તો રાજ્યમાં અત્યાર સુધીમાં 81.80 ટકા વરસાદ થયો છે. ઝોન વાઇસ જોઇએ તો કચ્છમાં 136.10 ટકા, સૌરાષ્ટ્રમાં 110 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.60 ટકા, મધ્ય ગુજરાત 66.19 ટકા અને ઉત્તર ગુજરાતમાં 67 ટકા વરસાદ થયો છે.
ગુજરાતનો સૌથી મોટા ડેમ નર્મદા ડેમ 80 ટકા જેટલો ભરાઈ ચૂક્યો છે. ડેમની જળ સપાટી 132 . 60 મીટર નોંધાઈ છે. ડેમમાં 7 હજાર 567 મિલિયન ક્યૂબિક મીટર પાણીનો જથ્થો સંગ્રહિત થતા હાલ નર્મદા ડેમ 80% ગ્રોસ સ્ટોરેજથી ભરાયેલો છે. ડેમમાં ઉપરવાસમાંથી સતત 90 હજાર 311 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
નવી આવકના કારણે ડેમના બંને વીજ મથકો કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં રિવર બેડ પાવર હાઉસમાંથી વિજ ઉત્પાદન બાદ 44 હજાર 497 ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી 14 હજાર 779 ક્યૂસેક પાણીની જાવક સરોવરમાં થઈ રહી છે.