દેશના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
નવી દિલ્હીઃ હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન દેશના દક્ષિણ ભાગો અને પશ્ચિમી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજે અને આવતીકાલે રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગનું કહેવું છે કે આવતીકાલ સુધી કોંકણ અને ગોવામાં પણ ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન, દિલ્હી આજે આંશિક વાદળછાયું રહેશે અને અહીં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
શ્રીલંકાના હવામાન વિભાગે વાતાવરણમાં સુધારો થવાની આશા વ્યક્ત કરી છે. વિભાગે જણાવ્યું કે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી પરનું ઓછું દબાણ ગઇકાલે સ્થિર રહ્યું હતું અને તે ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
આજે સવારે દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ઓછું દબાણ બનતા પશ્ચિમ અને ઉત્તરના પ્રાંતો સહિત અનેક ટાપુના વિવિધ ભાગોમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. જો કે હાલ પૂરની સ્થિતિ કાબુમાં છે, પરંતુ પૂરના કારણે પાણીજન્ય સંબંધિત રોગોની ચિંતા વધી રહી છે.