નવી દિલ્હીઃ હવામાન વિભાગે કહ્યું છે કે આગામી બે-ત્રણ દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને જમ્મુના બાકીના ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. વિભાગનું કહેવું છે કે બુધવાર સુધી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગે કહ્યું કે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદ પડી શકે છે. દરમિયાન, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આગામી પાંચથી છ દિવસ દરમિયાન વાવાઝોડાં અને વાદળછાયું આકાશ સાથે મધ્યમથી ભારે વરસાદ પડશે. મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.