બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને મઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેથી સરકાર દ્વારા અધિકારીઓને સાબદા કરવામાં આવ્યાં છે.
રાજ્યમાં મેઘરાજાએ થોડો વિરામ લીધા બાદ ફરીથી મેઘમહેર વરસાવવાની શરૂઆત કરી છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થયા બાદ હજુ સુધી ઉત્તર ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી.
હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ બનાસકાંઠામાં અતિ ભારે વરસાદ પડવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. જેથી મામલતદાર દ્રારા અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. તેમજ કેટલીક જગ્યાએ હળવો વરસાદ વરસ્યાના અહેવાલ સાંપડ્યાં છે.