Site icon Revoi.in

ગોહિલવાડમાં ધોધમાર વરસાદ, ભાવનગરમાં 4 ઈંચ અને વલ્લભીપુરમાં 6 ઈંચ, 200 લોકોનું સ્થળાંતર

Social Share

ભાવનગરઃ ગોહિલવાડમાં ભારે વરસાદની આગાહી બાદ મંગળવાર રાતથી વરસાદી માહોલ સર્જાયો હતો. પાંચ દિવસની આગાહીના પગલે  ભાવનગરમા રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. બુધવારે  બપોરના બાર વાગ્યાથી વીજળીના કડાકા અને વાદળોના ડરામણા અવાજા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભાવનગરના વલ્લભીપુરમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 6 ઈંચ અને ભાવનગર શહેરમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગર શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા 200 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ભાવનગર જિલ્લાનું તંત્ર પણ એલર્ટ બન્યું છે. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા બાદ બુધવારે બપોરથી મેઘરાજા તૂટી પડ્યા હતા. ભાવનગર શહેરના સુભાષનગર, કાળીયાબીડ, ઘોઘા સર્કલ, શિવાજી સર્કલ, જકાતનાકા, પાનવાડી, રેલવે સ્ટેશન રોડ, દાણાપીઠ, પ્રભુદાસ તળાવ સહિત નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે  જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના પગલે વાહનચાલકો અટવાયા હતા.

ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા શહેરના અક્ષયપાર્ક વિસ્તારમાં ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા. ઘટનાની જાણ થતા મનપા કમિશનર અને મેયર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે દોડી ગયા હતા. અને 200થી વધુ લોકોને સરકારી શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.

ભાવનગર જિલ્લામાં બુધવારે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ વલ્લભીપુરમાં 144મીમી, ભાવનગર શહેરમાં 95 મીમી, ઉમરાલામાં 86 મીમી, સિહોરમાં 66 મીમી, ઘોઘા 59 મીમી, ગારિયાધાર 28 મીમી, પાલિતાણા 28 મીમી અને તળાજામાં 22 મીમી વરસાદ નોંધાયો હતો.