નવી દિલ્હીઃ ઓડિશોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. દરમિયાન ઓડિશાના અલગ અલગ ભાગોમાં વીજળી પડતા 10 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે તો ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છ. જેઓને સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ઓડિશાના અનેક વિસ્તારમાં ગળાડૂબ પાણી પણ ભરાઈ ગયા છે. વધુ વરસાદના કારણે જાન-માલને મોટા પ્રમાણમાં નુકસાન પણ પહોંચ્યું છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ચાર દિવસમાં રાજ્યના ઘણા ભાગોમાં આવી જ સ્થિતિ રહેવાની આગાહી કરી છે.ઓડિશાના છ જિલ્લામાં વીજળી પડવાની ઘટનાઓમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો.
સ્પેશિયલ રિલીફ કમિશનરની ઓફિસે જણાવ્યું હતું કે, વીજળી પડવાને કારણે ખુર્દા જિલ્લામાં ચાર, બોલાંગીરમાં બે અને અંગુલ, બૌધ, જગતસિંહપુર અને ઢેંકનાલમાં એક-એક લોકોના મોત થયા છે. ઓફિસે જણાવ્યું હતું કે, વીજળી પડવાને કારણે ખુર્દામાં ત્રણ લોકો ઘાયલ પણ થયા છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, ભુવનેશ્વર અને કટક શહેરો સહિત ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ થયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ચાર દિવસમાં રાજ્યના ઘણા ભાગોમાં આવી જ સ્થિતિ રહેવાની આગાહી કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, સાયક્લોનિક સરક્યુલેશનથી ચોમાસું સક્રિય થયું છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ થયો છે. ભુવનેશ્વર અને કટકમાં 90 મિનિટના સમયગાળા દરમિયાન અનુક્રમે 126 મીમી અને 95.8 મીમી વરસાદ નોંધાયો હતો.