તમિલનાડુમાં આજે ભારે વરસાદની સંભાવના,26 જિલ્લાઓમાં શાળા-કોલેજમાં રજા જાહેર કરાઈ
ચેન્નાઈ:તમિલનાડુમાં આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.હવામાન વિભાગે પહેલાથી જ વરસાદને લઈને એલર્ટ જાહેર કરી દીધું હતું.હવામાનને જોતા ચેન્નાઈ સહિત રાજ્યના ઓછામાં ઓછા 26 જિલ્લાઓએ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે જણાવ્યું હતું કે,શ્રીલંકાના કિનારે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર આગામી 24 કલાક દરમિયાન વધુ તીવ્ર થવાની સંભાવના છે.
તમિલનાડુના ઘણા ભાગોમાં આખી રાત વરસાદ શુક્રવારે પણ ચાલુ રહ્યો હતો.શ્રીલંકાના કિનારે બંગાળની ખાડીમાં નીચા દબાણના વિસ્તારની રચનાને કારણે ચેન્નાઈ અને પડોશી કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચેંગલપેટ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.વરસાદને કારણે શહેરમાં કેટલીક જગ્યાએ પાણી ભરાયા હતા.રાજ્યના રામનાથપુરમ, કુડ્ડલોર, વિલ્લુપુરમ અને કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.ચેન્નાઈ, ચેંગલપેટ, કાંચીપુરમ, તિરુવલ્લુર અને વિલ્લુપુરમ સહિત અનેક જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી.