અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા અને બરફના કરાં સાથે ધોધમાર વરસાદ, IPLની ફાઇનલમાં વિધ્ન
અમદાવાદઃ શહેરમાં આજે સાજે ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદ સાથે બરફના મોટાં કરા પડી રહ્યા હતા. મેધરાજા પોતે બેટિંગ કરવા આવ્યા હોય તેમ વરસાદે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આઈપીએલની મેચમાં વિધ્ન સર્જન હતું.
અમદાવાદ શહેર સહિત અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યોછે. અમદાવાદના બોપલ, ઘુમા, પ્રહલાદ નગર, શ્યામલ, વેજલપુર વગેરે વિસ્તારોમાં વરસાદના પાણી રોડ પર ભરાયા હતા અનેક વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા
રાજ્યના હવામાન વિભાગે આજે રવિવારથી બે દિવસ વરસાદની આગાહી કરી હતી, વરસાદની આગાહીને પગલે આદં સાંજથી વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘો તૂટી પડ્યો હતો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમદાવાદમાં આજે IPL ફાઇનલ મેચનો ફીવર લોકોના માથે ચડ્યો હતો. જોકે, અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને ચેન્નાઇ વચ્ચે ફાઇનલ મેચ શરૂ થાય તે પહેલા વરસાદ વિઘ્ન બન્યો છે. મોડી સાંજે અચાનક કાળા વાદળો ઘેરાતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદ શરૂ થતા જ સ્ટેડિયમની બહાર ઉભેલા લોકોએ વરસાદથી બચવા દોડધામ કરી હતી. મેટ્રો ટ્રેનના પિલ્લર નીચે લોકો ઉભા રહી ગયા હતા. જોકે, ક્રિકેટ રસિકો હજી પણ આશા ધરાવે છે કે કદાચ વરસાદ રોકાઇ જાય અને આજે મેચ રમાય. જોકે, ચાલુ વરસાદ વચ્ચે પણ હજારો લોકો સ્ટેડિયમમાં હાજર છે. સ્પીચને ઢાંકી દેવામાં આવી છે, જોકે સ્ટેડિયમમાં જોરદાર વરસાદ પડી રહ્યાના વાવડ મળ્યા છે. ઘણા પ્રેક્ષકોએ પણ મેચ છોડીને ચાલુ વરસાદમાં ઘર તરફ રવાના થતાં જોવા મળ્યા હતા.
ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદ પડી રહ્યાના વાવડ મળ્યા છે. કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ડુલ થઈ ગઈ હતી. મહેસાણા અને પાટણ જિલ્લાના હારીજ, કુકરાણા, બોરતવાડા, સાપ્રા સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે. ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું છે. સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્ના વાવડ મળ્યા છે. અમરેલી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના માછીમારોને દરીયો ન ખેડવા સૂચના અપાઈ છે. અગમચેતીના ભાગરુપે 700 જેટલી બોટ સાથે માછીમારો જાફરાબાદ પરત પહોચ્યા હતા.