રાજ્યના ભારે વરસાદની આગાહી, 147 તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ, કલ્યાણપુરમાં 6 ઈંચ,
અમદાવાદઃ ગુજરાતમાં મેધરાજાનું વિધિવત આગમન થઈ ગયું છે.પણ હજુ ઘણા વિસ્તારોમાં તો વાવણી લાયક વરસાદ પણ પડ્યો નથી. ઘણા ગામડાંઓમાં તો મેઘરાજાને રિઝવવા હોમ-હવન અને પ્રાથના કરવામાં આવી રહ્યા છે. હાલ મેધરાજા જ્યાં વરસે છે, ત્યાં મન મુકીને વરસે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેધરાજા સાંબેલાધારે વરસ્યા હતા. જેમાં કલ્યાણપુરમાં 6 ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે દ્વારકામાં 4 ઈંચ તેમજ બાજુમાં આવેલા પોરબંદર જિલ્લામાં પણ ત્રણથી ચાર ઈંચ વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 147 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં બે-પાંચ તાલુકા બાદ કરતા બાકીના તાલુકાઓમાં તો ભારેથી લઈને હળવા ઝાપટાં પડ્યા હતા. દરમિયાન હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ઉપરાંત ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે મંગળવારે ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ હતી. જેમાં IMDના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે,આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. તેમજ તા.5થી 10 જૂલાઈ સુધી દ્વારકા, પોરબંદર અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
રાહત કમિશનરે વરસાદની આગાહીને ધ્યાને લઈ કચ્છ જિલ્લામાં એક NDRFની ટીમ ડીપ્લોય કરવા સૂચના આપી હતી. આ અગાઉ ગિરસોમનાથ, નવસારી, બનાસકાંઠા, વલસાડ, સુરત અને ભાવનગરમાં એક તથા રાજકોટમાં બે એમ કચ્છ સહિત કુલ 09 NDRFની ટીમો તથા પોરબંદર જિલ્લા ખાતે SDRFની એક ટીમ ડીપ્લોય કરવામાં આવેલ છે. રાહત કમિશનરે બેઠક દરમિયાન આગામી સપ્તાહમાં વરસાદની આગાહીને ધ્યાને લઈ હાજર રહેલ તમામ વિભાગના અધિકારીઓને તથા સમગ્ર તંત્રને એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.
ગુજરાતના અનેક જિલ્લાઓ સહિત બનાસકાંઠામાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે NDRFના 25 સભ્યની ટીમ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ઉતારીને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેમાં NDRF ટિમ દ્વારા બચાવની કામગીરી માટે લાઈવબોય, લાઈવ જેકેટ,રબ્બરની બોટ તેમજ વૃક્ષો કાપવાનાં કટિંગ મશીનો સહિતનાં સાધનો સાથે સજ્જ રાખવામાં આવ્યાં છે. આ NDRFની ટીમ જે જગ્યા પર વધારે વરસાદ અને બચાવની કામગીરીની જરૂર હશે એ બાજુ જઇને કામગીરી કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 147 તાલુકામાં સામાન્ય ઝાપટાંથી લઈને ભારે વરસાદ પડ્યો હતો. જેમાં દ્વારકા જિલ્લામાં મેઘમહેર થઈ હતી. જિલ્લાના કલ્યાણપુર, ખંભાળિયા તેમજ દ્વારકા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે કલ્યાણપુરમાં 6 ઈંચ વરસાદ વરસ્યો હતો. તાલુકાના ભાટિયા ગામમાં મુશળધાર વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી હતી. ભાટિયા ગામ તથા આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. એક કલાક સુધી વરસાદ વરસતા રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.