ગુજરાતમાં 149 તાલુકામાં મેઘ મહેર, વાંસદા, ખેરગામ, નવસારી, વલસાડ, વાપીમાં ભારે વરસાદ
વલસાડઃ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બરોબરનું જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં નવસારીના વાંસદામાં સાડાપાંચ ઈંચ, તાપીના દોલવણમાં 4 ઈંચ, નવસારીના ખેરગામમાં 4 ઈંચ, નવસારીમાં 3 ઈંચ ઉપરાંત વલસાડના ધરમપુર, તેમજ પલસાણા, સુરતના મહુવા, પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજ્યના 149 તાલુકામાં ઝાપટાંથી લઈને ધોધમાર વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી અને ઉમરગામમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેને લઈને અંડર પાસમાંથી પસાર થતા નોકરિયાત વર્ગ, વેપારી વર્ગ, વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. છીપવાડ રેલવે અંડર પાસમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વલસાડ જિલ્લામાં શનિવારે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો. જેનાથી વલસાડ અને વાપીના અંડરપાસમાં પાણી ભરાયા હતા. વલસાડ ,પારડી, અને વાપીમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. અને રોડ પર ઘુંટણસમા પાણીમાં વાહનો ફસાયા હતા. વાપી અને વલસાડ પાલિકાની બેદરકારીથી જિલ્લાના અંડરપાસમાં પાણી ભરવાના કારણે વાહનચાલકો તેમજ શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડે છે. ધોધમાર વરસાદમાં પણ તંત્ર ન જાગ્યું ત્યારે આવનારા દિવસોમાં વધુ વરસાદમાં જિલ્લાનો હાલ બે-હાલ થાય તો નવાઈ નહીં.
આ ઉપરાંત વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી વારોલી ખાડીમાં મહારાષ્ટ્ર અને ઉમરગામ તાલુકાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને વરસાદી પાણીનો આવ્યા હતા. નદીમાં વચ્ચે ઘાસચારો ચરવા ગયેલી ગાય નદીમાં પાણી વધતા નદીની વચ્ચે ચરવા ગયેલી ભેંસ ફસાઈ ગઈ હતી. પશુ પાલકોએ તાત્કાલિક ગામના સરપંચ અને અગ્રણીઓને જાણ કરીને ભેંસને નદીના પાણીમાંથી બહાર લાવવા મદદ માંગી હતી. વલસાડ જિલ્લામાં અને મહારાષ્ટ્રમાં છેલ્લા 7 દિવસથી ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને ઉમરગામ તાલુકાની વારોલી ખાડીમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ખાડીમાં વરસાદી પાણી આવે તે પહેલાં પશુ ધન ઘાસ ચારો ચરવા ગઈ હતી. ગૌ વંશ બચાવવા માટે પશુ પાલકોએ ગૌ વંશને બચાવવા ગામના સરપંચ અને અગ્રણીઓની મદદ માંગી હતી.