અસામમાં ભારે વરસાદ અને પૂરને કારણે 10 દિવસમાં 135 વ્યક્તિના મોત
નવી દિલ્હીઃ અસમ અને મણિપુર સહિતના પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં સતત વરસાદ વરસી રહ્યો હોવાથી પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. અસમમાં 10 દિવસના સમયગાળામાં લગભગ 135 લોકોના મોત થયાં છે, જ્યારે લાખો લોકો પ્રભાવિત થયાં છે. દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરૂણાચલ પ્રદેશ, અસમ, મણિપુર અને સિક્કિમમાં હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
મણિપુરમાં કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે લેન્ડસ્લાઈડની બનાવો બની રહ્યાં છે. નોની જિલ્લાના તુપુલ રેલવે સ્ટેશન નજીક થયેલા લેન્ડસ્લાઈડની ઝપટમાં 107 ટેરિટોરિયલ આર્મી કેમ્પ આવ્યો હતો. આ બનાવમાં અનેક જવાનો માટી નીચે દટાઈ ગયા હતા. આ દૂર્ઘટનામાં સાતના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 13 જવાનોને રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતા. જ્યારે લેન્ડસ્લાઈડની નીચે 30થી 40 જેટલા દબાયેલા હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર લેન્ડસ્લાઈડની ઘટનાને પગલે મુખ્યમંત્રી બીરેન સિંહએ એક ઈમરજન્સી મીટીંગ બોલાવી હતી. બીજી તરફ ઈજાગ્રસ્તોની સારવાર અર્થે તબીબોની ટીમને તાત્કાલિક સ્થળ પર મોકલી આપવામાં આવી હતી. ઘાયલોની સારવાર માટે નોની આર્મી મેડિકલ યુનિટ લગાવવામાં આવ્યો હતો. ભૂસ્ખલનને કારણે ઇજાઈ નદીનો પ્રવાહ પ્રભાવિત થયો હતો. આ નદી તામેંગલોંગ અને નોની જિલ્લામાંથી પસાર થાય છે. કેટલાક લોકો માટીની નીચે દબાયા હોવાનું જાણવા મળે છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, ખરાબ વાતાવરણના કારણે બચાવ કામગીરીમાં અડચણનો સામનો કરવો પડી રહ્યો છે. સેનાનું હેલિકોપ્ટર પણ સ્થળ પર પહોંચી ચુક્યું હતું. તેમજ બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.