અમદાવાદઃ અષાઢ મહિનો પૂર્ણ થયો અને આજે સોમવારથી શ્રાવણ મહિનાના પ્રારંભ થઈ ગયો છે. પણ મેઘરાજા રાહ જોવડાવી રહ્યા છે. આજે સોમવારે સવારથી બપોર સુધીમાં માત્ર 6 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. રાજ્યમાં ચોમાસાના બે રાઉન્ડ પુરા થયાં છતાં હજી 42 ટકા વરસાદની ઘટ વર્તાઈ છે. વરસાદ ખેંચાવાના લીધે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં રાજ્યમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની કોઈ શક્યતાઓ નથી. વરસાદ ખેંચાવાને કારણે રાજ્યમાં મહત્તમ તાપમાન પણ 5 ડિગ્રી સુધી વધી ગયું છે. ગરમી વધવાથી લોકો હેરાન થઈ રહ્યાં છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ચોમાસાના સાનુકૂળ સંજોગો હોવા છતાં બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થવા છતાં પણ રાજસ્થાન તરફ ફંટાઈ જતા ગુજરાતમાં વરસાદની અછત થઈ છે. વરસાદ અંગે જોતા ઓગસ્ટ માસમાં તા.18 ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં એક વરસાદી વહન સક્રિય થવાની શક્યતા છે. જે ગુજરાત-સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ લાવી શકે તેમ છે. તા.18 થી 24 સુધી ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. સોમવારે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર 69 મિમિ, જેતપુર પાવીમાં 67 મિમિ, બોડેલીમાં 29 અને સંખેડામાં 8 મિમિ વરસાદ નોંધાયો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, તાપી, સુરતમાં હળવો વરસાદ થયો છે. આગામી સમયમાં રાજ્યમાં વરસાદ થવાની શક્યતાઓ નહીંવત છે. 18 ઓગસ્ટ બાદ રાજ્યમાં સારા વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદમાં વરસાદ ખેંચાઇ જતા ખરીફ વાવેતરને લઇને ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ડાંગર, કપાસ, મગ સહિતના પાકનું વાવેતર ખેૂડતોએ ઉંચા જીવે કર્યું છે.ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું 1 લાખ 23 હજાર 279 હેક્ટરમાં વાવેતર થયું છે. માંડલમાં 11 હજાર 655 હેક્ટરમાં તુવેર વવાઇ છે. જિલ્લામાં માંડલમાં 1880 હેક્ટર, વિરમગામમાં 650 હેક્ટરમાં મઠનું વાવેતર છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા પંદરેક દિવસથી વરસાદે ખમૈયા કર્યા છે. જેના કારણે ખેડૂતો વાવેતરના ભવિષ્યને લઇને ચિંતામાં પડયા છે. આગામી દિવસોમાં વરસાદ પડી જાય તો ખેતીને જીવતદાન મળી શકે તેમ છે. સાણંદ, દસક્રોઇ, બાવળા, અને ધોળકાને ખારીકટ અને ફતેવાડી કેનાલનું સિંચાઇનું પાણી મળી રહેતા આ વિસ્તારમાં ખેડૂતોમાં રાહત છે.