બેંગ્લોરઃ દક્ષિણ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે અને અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. બીજી તરફ તંત્ર દ્વારા રાહતની કામગીરી કરવામાં આવી રહી છે. ભારેથી અતિભારે વરસાદના કારણે તમીલનાડુ અને કેરળમાં જનજીવનને વ્યાપક અસર થઈ છે. જનજીવન ફરીથી રાબુતા મુજબ થાય તે માટે સરકાર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ભારતમાં તમીલનાડુ સહિતના કેટલાક રાજ્યોમાં વરસાદનો કેર જોવા મળી રહ્યો છે. આ વરસાદના કારણે સામાન્ય જનજીવન પર માઠી અસર પડી છે. ચોમાસા બાદ થયેલ આ કમોસમી વરસાદના કારણે જાનમાલને પણ મોટુ નુકસાન થયું છે. જેથી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા માટે કેન્દ્રીય ટીમે આંધ્રપ્રદેશની મુલાકાત લીધી છે.
બીજી બાજુ હવામાન વિભાગે પણ આગામી અમુક દિવસો દરમિયાન આ રાજ્યોમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ કમોસમી વરસાદથી ચેન્નાઈમાં 150 થી પણ વધુ રસ્તાઓનો પાણીમાં ગરકાવ થયો છે. જેની ગંભીરતથી નોંધ લઇ ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશને પાણીને કાઢવા માટે 750 કરતા પણ વધુ પંપ લગાવ્યા છે. તમિલનાડુમાં વરસાદથી સંબંધિત ઘટનાઓનાં પગલે 8 લોકોના મોત થયા છે. વરસાદનાં પગલે 2202 ઝૂપડાઓ અને 200 જેટલા મકાનો અસગ્રસ્ત થયા છે. શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. સહાય અર્થે તમીલનાડુમાં 14 જિલ્લાનાં 123 રાહત કેન્દ્રોમાં 11 હજાર 239 લોકોને રાખવામાં આવ્યા છે.