અમદાવાદઃ ઉત્તરાખંડમાં પડેલા ભારે વરસાદના કારણે ત્યાંના જનજીવન ઉપર વ્યાપક અસર પડી છે. તેમજ ચારધામ સહિતની યાત્રાએ ગયેલા હજારો શ્રદ્ધાળુઓ ફસાયાં છે. જેમાં ગુજરાતના શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. રાજકોટના 30 શ્રદ્ધાળુઓ ફસાયાં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સરકારે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના નાગરિકોને પરત લાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. તેમજ એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
ઉત્તરાખંડમાં ચારેક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેથી જનજીવનને વ્યાપક અસર પડી છે. ભારે વરસાદ, ભૂસ્ખલનને પગલે સલામતીના કારણોસર ચારધામ યાત્રા અટકાવવામાં આવી છે. પવિત્ર ચારેય ધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રીમાં દેશભરના 10 હજાર શ્રદ્ધાળુ ફસાયા છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલે તમામ મદદ કરવાની તૈયારીઓ દર્શાવી છે. ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના સીએમ સાથે ફસાયેલા ગુજરાતીઓ અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય સચિવે ગુજરાતીઓ પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી. ઉત્તરાખંડમાં ફસાયેલા તમામ ગુજરાતી સલામત હોવાનું ઉત્તરાખંડના અધિકારીઓએ જણાવ્યાં હતું. ભારે વરસાદને કારણે ઉત્તરકાશી અને નેતાલ આસપાસ હજારો ગુજરાતીઓ ફસાયા હોવાનું પણ મનાઈ રહ્યું છે.