અમદાવાદ : રાજ્યમાં અષાઢી માહોલ જામ્યો છે. આજે બુધવારે સવારથી બપોર સુધીમાં 50 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં વલસાડના કપરાડામાં સાડા ત્રણ ઈંચ, ડાંગ,તાપી અને મહિસાગર જિલ્લામાં દોઢથી બે ઈંચ અને બાકીના તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. દરમિયાન બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાતા આગામી 23 જુલાઈથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
રાજ્યમાં વિરામ બાદ છેલ્લા બે દિવસથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે આગામી 23મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો કુલ 204.94 મિમી એટલે સરેરાશ 24.64 ટકા વરસાદ નોંધાયો છે. બીજી બાજુ, મંગળવારે 21 જિલ્લાના 69 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં વડોદરામાં 2 કલાકમાં 2 અને બોડેલીમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. બોડેલીમાં અઢી ઇંચ વરસાદથી જાહેર રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.
હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ પડશે.છેલ્લા ચાર-પાંચ દિવસથી દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસ્યો છે. જો કે સમગ્ર ગુજરાતને કવર કર્યું નથી. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગટાટોપ વાદળો ગોરંભાયેલા છે, પણ મેઘરાજા મનમુકીને વરસતા નથી. અમદાવાદમાં ભારે બફારા વચ્ચે લોકો દિવસો પસાર કરી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે. 23 જુલાઈથી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાથે માછીમારોએ દરિયો ખેડવા ન જવાની ચેતવણી આપવામાં આવી છે.