Site icon Revoi.in

આવ રે….વરસાદ, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ રાજ્યમાં વાદળો ગોરંભાયા છે પણ દક્ષિણ ગુજરાતને બાદ કરતા મેઘરાજા મન મુકીને વરસતા નથી. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે, 23થી 26 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન અનેક ઠેકાણે ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારે 6થી 12 વાગ્યા સુધીમાં 15 તાલુકાઓમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, શુક્રવાર-શનિવારે નવસારી-વલસાડ-ડાંગ, રવિવારે સુરત-નવસારી-વલસાડ-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-સાબરકાંઠા-આણંદ-છોટાઉદેપુર-નર્મદા-ડાંગ-તાપી-રાજકોટ-અમરેલી-ભાવનગર, સોમવારે નવસારી-વલસાડ-દમણ-બનાસકાંઠા-પાટણ-પોરબંદર-જૂનાગઢ-ગીર-સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જોકે અમદાવાદમાં આગામી 3 દિવસ માત્ર હળવા વરસાદની જ સંભાવના છે. ગુજરાતમાં હજુ સુધી 8.51 ઈંચ સાથે મોસમનો સરેરાશ 25.76 વરસાદ નોંધાયો છે. અત્યારસુધી કચ્છમાં 4.72 ઈંચ સાથે મોસમનો 27.04 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.43 ઈંચ સાથે 19.28 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 6.96 ઈંચ સાથે 21.90 ટકા, સૌરાષ્ટ્રમાં 6.61 ઈંચ સાથે 24.04 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 18.22 ઈંચ સાથે મોસમનો 31.68 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

અમદાવાદ સહિત રાજ્યનાં 7 શહેરોમાં ગરમીનો પારો 34 ડીગ્રી પાર કરી ગયો હતો. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વાદળિયું વાતાવરણ સર્જાયું છે. વરસાદની ગેરહાજરીને કારણે ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે, જેને કારણે એક જ દિવસમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 2.3 ડીગ્રી વધીને 34.9 ડીગ્રી અને લઘુતમ તાપમાન 1.8 ડીગ્રી વધીને 27.5 ડીગ્રી નોંધાયું હતું. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને બાદ કરતાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે.

ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમમાં ચાલુ વર્ષે પાણીની આવક થઇ નથી, પરંતુ હજુ પણ ડેમમાં 598 ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાથી લોકોને પીવાનું પાણી તેમજ ઘર વપરાશનું પાણી મળી રહેશે. ભાવનગર જિલ્લામાં આવેલાં 12 જેટલાં જળાશયો હાલમાં છલક સપાટીએ છે, આથી ખેત સિંચાઈને લગતો મહત્ત્વનો પ્રશ્ન એક વર્ષ માટે સોલ્વ થઈ ગયો છે તો બીજી તરફ શેત્રુંજી ડેમ પણ પૂર્ણ સપાટીએ ભરેલો હોવાને કારણે ત્રણ તાલુકા તથા ભાવનગર શહેર માટે પીવાના પાણીની વિશાળ જળરાશિ ઉપલબ્ધ છે. જામનગર શહેરને હંમેશાં પાણી પૂરું પાડતા સસોઈ ડેમમાં ત્રણ ફૂટ નવું પાણી આવ્યું હતું અને જામનગરની જીવાદોરી સમાન રણજિતસાગર ડેમમાં અડધો ફૂટ નવા પાણીની આવક થઈ હતી તેમજ વર્તુળ 2માં પણ પાણીની આવક થઈ હતી.