અમદાવાદઃ રાજ્યભરમાં ભર ઉનાળે તાઉ-તે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. અને વાદળછાંયા વાતાવરણને લીધે ઠંડક પ્રસરી જતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત અનુભવી હતી. દરમિયાન અરબી સમુદ્રમાં સર્જાયેલું તાઉ-તે સાઇક્લો પ્રતિ કલાકે સીધી લીટીમાં 13 કિ.મી.ની ઝડપે અને કલાકના 125-135 કિ.મી.ની ગતિએ ચક્રાવત ગુજરાત તરફ આવી રહ્યું છે. આવતીકાલ સોમવાર અને મંગળવાર સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તાર તરફ પહોંચવાની શક્યતાના આધારે સરકાર અને તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. જેમાં બે દિવસ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તાઉ-તે વાવાઝોડું વારંવાર તેની દિશા બદલી રહ્યું છે. ત્યારે વાવાઝોડાએ પોતાનો માર્ગ ફરીએકવાર બદલતા તંત્ર વધુ એલર્ટ થઈ ગયું છે. વાવાઝોડાએ રસ્તો બદલતા હવે દીવ તરફ સંકટ વધ્યું છે. દીવના દરિયા કિનારા માટે વધુ ચિંતા ઉભી થઈ છે. આ કારણે ઉના અને દીવના 35 ગામો પર વધુ ખતરો તોળાઈ રહ્યો છે. આ કારણે લોકોના સ્થળાંતરને લઈને પ્લાનિંગ શરૂ કરાયુ છે. તો બીજી તરફ દીવ કોસ્ટ માટે યલો એલર્ટ જાહેર કરી દેવાયું છે. વવાઝોડાએ પુનઃ પોતાનો માર્ગ બદલ્યો છે. તાઉ-તે વાવાઝોડું 17 મેના રોજ સાંજે અથવા 18 મેના રોજ વહેલી સવાર દરમિયાન પોરબંદર-મહુવાથી પસાર થશે. જોકે, ગુજરાત પર વાવાઝોડાનું સંકટ યથાવત છે.
માત્ર વાવાઝોડાની દિશા દક્ષિણ પૂર્વ તરફ વળી છે. વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ વધુ મજબૂત થઇ રહ્યું છે. ઉપરાંત ભારે વિનાશક ચક્રવાત પોરબંદર અને નલિયા વચ્ચે દેવભુમિ દ્વારકા પાસેના દરિયામાંથી આવીને જમીન સાથે ટકરાય તેવી પણ શક્યતા સેવવામાં આવી રહી છે. સાયક્લોનની આજની દિશા મૂજબ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દ્વારકા, પોરબંદર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, જામનગર, નલિયા, ભૂજ વગેરે વિસ્તારોમાં વિનાશક પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર માટે ખાસ કરીને તારીખ 17 અને 18 મે એમ બે દિવસ આ વિનાશક વાવાઝોડાના કારણે પડકારરૂપ રહેશે. જમીન સાથે ટકરાયા પછી વાવાઝોડુ નબળું પડે તો પણ તેની અસર દૂર દૂર સુધી વ્યાપક રીતે થતી હોય છે અને ભારે પવન સાથે અતિ ભારે વરસાદની પૂરી શક્યતા હોય છે.