Site icon Revoi.in

બનાસ નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદને લીધે આવ્યા નવા નીર, અમરગઢનો ચેકડેમ ઓવરફ્લો

બનાસ નદી
Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં આજે સોમવારે દાંતિવાડા, સુઈગામ, અમીરગઢ, ડીસા, અને થરાદમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. આકાશમાં વાદળો ગોરંભાયા છે, પણ મેઘરાજા મન મુકીને વરસતા નથી. ત્યારે બનાસ નદીના ઉપરવાસમાં  ભારે વરસાદને લીધે બનાસ નદીમાં નવા નીર આવ્યાં છે. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. અમીરગઢ ખાતે બનાસનદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. તેમજ દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક શરૂ થઈ છે,

બનાસકાંઠા જિલ્લામાં ઓછો વરસાદ હોવાના કારણે જિલ્લાના તમામ જળાશયો ખાલીખમ હાલતમાં જોવા મળી રહ્યા છે. જોકે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં ઝરમર ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ રાજસ્થાન સહિત ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાની જીવા દોરી સમાન ગણાતી બનાસ નદીમાં નવા નીર આવ્યાં છે. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. અમીરગઢ ખાતે આવેલ ઉત્તર ગુજરાતના સૌથી મોટા ચેકડેમ ઓવર ફ્લો થતા બનાસ નદીનું પાણી દાંતીવાડા ડેમમાં પાણીની આવક થાય તેવી આશા સાથે ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના જીવા દોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ જો છલોછલ ભરાય તો બનાસકાંઠા સહિત પાટણ જિલ્લાના કેટલાક તાલુકાઓના ખેડૂતોને આવનાર સીઝન ખેતીની કરી શકશે. દાંતીવાડા ડેમનું પાણી પીવા માટે બનાસકાંઠા જિલ્લાના 87 જેટલા ગામો સહિત પાલનપુર ડીસા અને દાંતીવાડા તાલુકામાં પહોંચે છે તેમજ ખેતી માટે બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકાના 61 ગામડાઓમાં અને પાટણ જિલ્લાના બે તાલુકાના 49 ગામડાઓમાં પાણી પહોંચે છે જોકે હજુ સુધી દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઈ નથી. જેને લઇ ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે.