Site icon Revoi.in

ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપુર, 20થી વધુ કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં

Social Share

આહવાઃ ડાંગ જિલ્લામાં મેઘરાજાએ વધુ સમય મુકામ કરતાં ખળખળ વહેતા ઝરણા અને વનરાજી નવપલ્લિત બની છે. છેલ્લા બે દિવસથી જિલ્લામાં સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. જેના લીધે જિલ્લાની મુખ્ય નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ધસમસતા પાણીને કારણે જિલ્લામાં 20થી વધુ નાના મોટા કોઝવે ઉપર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા જ્યારે હજારો લોકો અટવાઈ પડ્યા હતા.

રાજ્યના હવામાન વિભાગની આગાહી બાદ ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પાછોતરા વરસાદને પગલે ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. જ્યારે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. ગ્રામ્ય વિસ્તારોમા ત્રણ પશુના પણ મૃત્યુ નોંધાયા છે. સતત વરસાદને લીધે જિલ્લાના અંતરિયાળ વિસ્તારના માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. આ વરસાદને પગલે જિલ્લાના 20 જેટલા લો લેવલ કોઝ વે, અને નીચાણવાળા માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખી આ તમામ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. રાહદારીઓ, પશુપાલકો તથા વાહન ચાલકોને આ માર્ગો ને બદલે, તંત્ર એ સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને નદીઓમાં આવેલ ઘોડાપૂરને લીધે 20  જેટલા લોલેવલના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા. જેમાં મુખ્ય સતી-વાંગણ-કુતરનાચ્યા રોડ, નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, ઘોડવહળ વી.એ.રોડ,  ખાતળ ફાટકથી ઘોડી રોડ, માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ, ઢાઢરા વી.એ.રોડ, વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, સાથે દુલધા, કરંજપાડા, બંધપાડા જેવા મુખ્ય કોઝવે સહિત અનેક નાના મોટા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ગીરા નદીમાં અચાનક આવેલા ઘોડાપૂર ને કારણે અટવાઈ પડેલ લોકોએ પોતાના જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડ્યું હતું જ્યારે મહિલાઓ અને બાળકોએ નદીમાં પાણી ઓસરે ત્યાં સુધી રાહ જોવી પડી હતી.