Site icon Revoi.in

ગાંધીનગરમાં ધોધમાર વરસાદઃ વીજળી પડતા એકનું મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. દરમિયાન પાટનગર ગાંધીનગરમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. દરમિયાન જૂના સચિવાલય નજીક વીજળી પડવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગરમાં વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો હતો. જેથી રજનીકાંત દુલારા નામની વ્યક્તિ વરસાદથી બચવા માટે જુના સચિવાલય પાસે એક વૃક્ષ નીચે ઉભા રહ્યાં હતા. દરમિયાન અચાનક વીજળી વૃક્ષ ઉપર પડી હતી. જેથી રજનીકાંત દુલારા ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી તેમને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું. ગાંધીનગરમાં જુના સચિવાલયના બ્લોક નંબર 11 પાસે આ ઘટના બની હતી.

ગાંધીનગરના સેક્ટર 17માં આવેલી જિલ્લા પંચાયત કચેરીની આરોગ્ય શાખામાં મૃતક રજનીકાંતભાઈ પ્યુન તરીકે ફરજ બજાવતા હતા. તેઓ રોજની જેમ ઓફિસે ગયા હતા. બોપરના સમયે રિસેસ પડતા તેઓ ચા નાસ્તો કરવા માટે જૂના સચિવાલય આવ્યા હતા. બપોરનો લગભગ ત્રણ વાગ્યાનો સમય હતો. અચાનક વરસાદ વરસવાનું શરૂ થયુ. ત્યારે તેઓ બગીચામાં એક લીમડાના ઝાડ નીચે ઊભા હતા.

દરમિયાન ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં પણ સાંજના સમયે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. તેમજ વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા.