Site icon Revoi.in

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ, સરસ્વતી નદીમાં ઘોડાપૂર, માધવરાય મંદિર બન્યુ જળમગ્ન

Social Share

વેરાવળઃ સૌરાષ્ટ્રમાં સોરઠ પંથક પર તો શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન રહ્યા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પર અસર પડી છે. જિલ્લાના સુત્રાપાડામાં દિવસ દરમિયાન 6  ઇંચ જેટલો ભારે વરસાદ વરસી જતા ચારેબાજુ પાણી ભરાયા હતા. જ્યારે તાલાલામાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે  ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. સરસ્વતી નદી ગાંડીતૂર બનતા માધુપુરના જાંબુર ગામ જળબંબાકાર થયું છે. જેને લેઇને તાલાલા-આકોલવાડી માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત વેરાવળ તાલુકાના ઉંબા ગામે આવેલા ઓમનાથ મહાદેવ મંદિર પાસેથી નીકળતી દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

રાજ્યના હવામાન વિભાગે બે દિવસ માટે ગીર સોમનાથ જિલ્લામાં રેડ એલર્ટ આપી ભારે વરસાદ વરસવાની આગાહી કરી હતી. જેની અસર વર્તાતા ગુરૂવારે સવારે જિલ્લાના સુત્રાપાડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દસેક વાગ્યાથી ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થયા બાદ બે કલાક સુધી અવિરત વરસાદ પડ્યો હતો. આમ સવારે 10થી 12 બે કલાકમાં સુત્રાપાડા 4 ઈંચ જેવો ભારે વરસાદ વરસી ગયો હતો. ત્યારબાદ બપોરે 12થી 2 વાગ્યા સુધી વધુ 2 ઈંચ અને તાલાલામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના પગલે રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સુત્રાપાડા શહેરમાં કુંભારવાડા, કાનાવડલી વિસ્તાર, ભક્તિનગર, તાલુકા શાળા અને કોર્ટ ક્વાર્ટર સહિતના વિસ્તારોના રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. જ્યારે પંથકના ખેતરોમા વરસાદી પાણી ભરાઈ જતા બેટમાં ફેરવાઈ ગયા હતા.

સુત્રાપાડામાં ધોધમાર વરસાદના પગલે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યુ હતુ. જેના લીધે નદીના પટમાં આવેલું પ્રખ્યાત પ્રાંચી તીર્થનું માધવરાય ભગવાનનું મંદિર ફરી જળમગ્ન થઈ ગયુ હતુ. જાણે મેઘરાજા માધવરાય ભગવાનને જળાભિષેક કરતા હોય તેમ પૂરના પાણીમાં ડૂબી ગયેલા નજરે પડ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળા છલકાતા મુખ્ય માર્ગે ઉપર પાણી ફરી વળી વહેતા થયા હતા. થોડા દિવસ અગાઉ પણ માધવરાય મંદિર જળમગ્ન થયું હતું. રેડ એલર્ટની આગાહી મુજબ વેરાવળ સોમનાથ, તાલાલા, કોડીનાર, ઉના અને ગીરગઢડા પંથકમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે.