ગુજરાતમાં ભારે વરસાદઃ પૂરગ્રસ્ત વિસ્તારોની સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધી મુલાકાત
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી નદીઓ ગાંડીતૂર બની છે, તેમ જ અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સરકાર દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી પ્રભાવિત છોટાઉદેપુરની મુલાકાત લીધી હતી.
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં ભારે વરસાદને પગલે અનેક ગામોમાં પાણી ભરાયાં હતા. દરમિયાન મુખ્યમંત્રી આજે બોડેલીમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને ત્યાંની સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું. બોડેલીના વર્ધમાનનગર વસાહતના અસરગ્રસ્તોને મળીને તેમને થયેલા નુકસાનની માહિતી લીધી હતી તેમજ તંત્ર દ્વારા કરવામાં આવેલી બચાવ અને રાહત કામગીરીની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને કેટલાક જરૂરી સુચન પણ કર્યાં હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલે આસપાસના વિસ્તારમાં હવાઈ નીરિક્ષણ કર્યું હોવાનું પણ જાણવા મળે છે.
મુખ્યમંત્રી અને અધિકારીઓ બોડેલીના દીવાન ફળિયા તથા વર્ધમાન ફળિયામાં ગયા હતા. જ્યાં પૂરના પાણી સૌથી વધુ ભરાયા હતા. અહીં તેમણે પૂરથી અસરગ્રસ્ત લોકો સાથે સંવાદ કર્યો હતો. તેમની મુશ્કેલી જાણી હતી. તો તેમને મદદ કરવાની બાંહેધરી આપી હતી.