જૂનાગઢઃ શહેરમાં આભ ફાટ્યુ હોય તેમ સાંબેલાધારે પડેલા વરસાદે શહેરના તમામ રોડ-રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વહેલી સવારથી ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. ગિરનાર અને દાતર પર્વત ઉપર સાંબેલાધારે વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે થઇ છે. જ્યારે ભવનાથ કાળવા ચોક અને મોતીબાગ વિસ્તારમાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. તો મુબારક બાગ વિસ્તારમાં મકાનોમાં પાણી ભરાઇ ગયા છે. જ્યારે અનેક વાહનો તણાતા જોવા મળ્યા હતા. જૂનાગઢમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. ઘણી જગ્યાએ કમરથી પણ વધુ પાણી ભરાઇ જતાં લોકો જીવ બચાવવા ધાબે ચડી ગયા છે. દરમિયાન જિલ્લા કલેકટરે શહેરીજનોને જાહેર અપીલ કરીને ઘરની બહાર ન નિકળવા સુચના આપી હતી.
જૂનાગઢમાં મેઘ તાંડવને લીધે સ્થિતિ વિકટ બનતા સરકારી તંત્રએ બચાવ અને રાહતની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ભારે વરસાદને લીધે સ્થિતિનું જાત નિરીક્ષણ કરવા માટે જૂનગાઢ જવા માટે મુખ્યમંત્રીએ તૈયારી દાખવી હતી પરંતુ વીઝીબીલીટી ન હોવાથી ત્યાં પહોંચી શકાય તેમ નથી માટે તેઓ તાત્કાલિક ગાંધીનગર કંટ્રોલ રૂમ પહોંચીને જરૂરી સુચના આપી હતી. જૂનાગઢમાં હાલ NDRFની બે ટિમ તૈનાત છે વધુ એક ટિમને રવાના કરવામાં આવી છે. ઉપરાંત વધુ બે SDRFની ટિમ પણ જૂનાગઢ મોકલવામાં આવી રહી છે. શહેરમાં 250 થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટથી શહેર અને જિલ્લાની મળી કુલ 5 ફાયરની ટિમોને પણ જૂનાગઢ જવા રવાના કરવામાં આવી છે. તેમજ 25000 ફૂડ પેકેટ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ મોકલવામાં આવ્યા છે.
જુનાગઢમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યુ હતુ. છેલ્લા ચાર કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ વરસાદ પડતા પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યું હતુ. જૂનાગઢ શહેરમાં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી દેખાઈ રહ્યું છે. જેના કારણે કલેક્ટર, એસપી, મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ રાહત કાર્ય માટે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. જૂનાગઢમાં 10 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. હજુ પણ વરસાદનું જોર યથાવત છે. જેના કારણે તંત્રએ લોકોને ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરી છે.
જુનાગઢમાં જે રીતે વરસાદના લીધે દ્વશ્યો સામે આવ્યા છે. જેને જોતા એમ લાગી રહ્યું છે કે જાણે કોઇ ડેમ તૂટ્યો હોય કે નદીમાં પૂર આવતાં પાણી શહેરમાં તારાજી સર્જી રહ્યું હોય. ગિરનાર પર્વત પર 14 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના પાણી જુનાગઢની ગલીઓમાં ફરી વળ્યા છે. જેના લીધે તારાજીના દ્વશ્યો સર્જાયા છે. આખું શહેર બેટમાં ફેરવાઇ ગયું છે.
શહેરમાં જ્યાં પણ નજર પડે ત્યાંન રમકડાંની માફક કાર્સ અને વ્હીકલ તણાતા જોવા મળી રહ્યા હતા. દુકાનો અને ઘરોમાં પાણી ફરતાં સ્થાનિકો રહીશો લાચાર બન્યા છે. કોઇની રોજી રોટી છિનવાઇ ગઇ છે તો છત તણાઇ ગઇ છે. ગિરનાર પર્વત પર વરસી રહેલા વરસાદના લીધે જુનાગઢમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે આ પહેલાં જુનાગઢમાં આવો વરસાદ ક્યારે ખાબકયો નથી. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી વહી રહ્યા છે. જેને લીધે કારો રમકડાંની માફક તણાતી જોવા મળી રહી છે. વરસાદના લીધે પાણીનો પ્રવાહ જાણે શહેરની ચીરીને નદીની માફક વહી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદના લીધે જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિશય વરસાદથી સ્થિતિ વિકટ બની છે. જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે.