નવી દિલ્હીઃ કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે અને થોડા જ દિવસોમાં ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ ચોમાસું પહોંચશે. જો કે તેની પહેલાં જ મણિપુરમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. મણિપુરના ઇમ્ફાલમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મણિપુર પોલીસ, સેના, અસમ રાઈફલ, NDRF અને SDRF દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં કુલ 800 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પુર પ્રભાવિત લોકો માટે જિલ્લામાં ત્રણ અસ્થાયી શેડ પણ ઉભા કરવામાં આવ્યા છે.
એક તરફ કેરળમાં વરસાદનું આગમન થઇ ચુક્યું છે તો બીજી તરફ ઉત્તરપશ્ચિમ અને મધ્યભારતમાં લૂનો કહેર યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુરુવારથી ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. છતાં પણ ગતરોજ રાજસ્થાનના ગંગાનગરમાં સૌથી ઊંચું તાપમાન 48.3 નોંધાયું હતું. મધ્યપ્રદેશના સીધીમાં 48.2 ડીગ્રી, ઉત્તરપ્રદેશના વારાણસીમાં 47.8 ડીગ્રી, હરિયાણાના રોહતક અને નારલોનમાં તાપમાન 47.5 ડીગ્રી સુધી પહોંચ્યું હતું.