- અરવલ્લીની ગિરી કંદરાઓમાં ઠેર ઠેર ઝરણાઓ વહેતા થયાં,
- નખી તળાવનું ઓવરફ્લોનું પાણી દાંતીવાડા ડેમમાં જઈ રહ્યું છે,
- હીલ સ્ટેશનની વરસાદી મોજ મહાણવા પ્રવાસીઓ ઉમટી પડ્યાં
પાલનપુરઃ ગુજરાતના બનાલકાંઠા જિલ્લાની બોર્ડર પર આવેલા અને હિલ સ્ટેશન ગણાતા માઉન્ટ આબુમાં પણ સતત વરસાદને કારણે નખી તળાવ છલોછલ ભરાઈને ઓવરફ્લો બન્યું છે. નખી તળાવ ઓવરફ્લો થતાં જ પાણી નીચે ઉતરીને અમીરગઢ પાસેથી વહેતી કલેડી નદીમાં આવી દાંતીવાડા ડેમમાં જઈ રહ્યું છે. એટલે દાંતીવાડા ડેમની જળ સપાટી પણ વધી રહી છે. દરમિયાન વરસાદી સીઝનનો નજારો માણવા માટે માઉન્ટ આબુમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે.
ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત વરસાદ પડી રહ્યો હોઇ રસ્તાઓ ઉપર પાણી ઢીંચણ સમાં વહી રહ્યાં છે. અને ઝરણાઓ વહેતા નખી તળાવ ઓવરફલો થઇ વહી રહ્યું છે.
માઉન્ટ આબુમાં સતત વરસાદ વરસી રહેતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતાં અરવલ્લીની ગિરિ કંદરાઓમાંથી ઝરણાં મન મૂકીને વહેતા થયા છે. જેનું બધું પાણી માઉન્ટ આબુના મુખ્ય આકર્ષણના કેન્દ્ર એવા નખી તળાવમાં આવતાં તળાવ ઓવરફલો થતા તેનું પાણી નીચે ઉતરતા અમીરગઢ પાસેથી વહેતી કલેડી નદીમાં આવી દાંતીવાડા ડેમમાં જઈ રહ્યું છે.
પવન સાથે આવેલા વરસાદથી મોટા કદાવર વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ ખોરવાયા છે. ડુંગરોની કોતરોમાં આવેલા આ હિલ સ્ટેશનમાં વર્ષાતુનો આનંદ અનેરો હોય છે જેથી તેને મીની કાશ્મીર પણ કહેવામાં આવે છે. આવા વાતાવરણમાં સહેલાણીઓ મોટા પ્રમાણમાં ઉમટી પાડતા છે છેલ્લા ત્રણ દિવસોમાં પચીસ હજાર સહેલાણીઓ માઉન્ટ આવ્યા હતા. માઉન્ટ આબુમાં અત્યાર સુધી 46 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. (File photo)