- મુંબઈમાં વરસાદનો કહેર
- રસ્તાઓ પાણીમાં થયા ગરકાવ
મુંબઈઃ- એક તરફ જ્યાં દેશના ઘણા રાજ્યોમાંથી ચોમાસુ વિદાઈ લઈ રહ્યું છે ત્યાર બીજી તરફ નહારાષ્ટ્રમાં વરસાદનો કહેર જોવા મળ્યો છે અવિરત પણે વરસેલા વરસાદે મહારાષ્ટ્રના હાલ બેહાલ કર્યા છે.વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ગુરુવારે સાંજે પડેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
આ સતત બીજા દિવસે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો. બુધવારે પણ શહેરમાં વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. ગુરુવારે સવારે 8 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં ટાપુ શહેરમાં 30.96 મિમી વરસાદ નોંધાયો હતો. મુંબઈના બોરીવલી પશ્ચિમ વિસ્તારમાં નેમિનાથ બિલ્ડિંગ પર વીજળી પડી હતી પરંતુ ત્યાં કોઈ નુકસાન થયું નથી.
આ સાથે જ નવી મુંબઈમાં ભારે વરસાદને કારણે, નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર ઘણું પાણી ભરાયું છે. થાણેમાં ભારે વરસાદ બાદ અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા છે. આ ઉપરાંત મુંબ્રા વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં ઘૂંટણિયે પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
નાશિકમાં વરસાદને કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાના અહેવાલો પણ મળ્યા હતા. અનેક જગ્યાએ વાહનો પાણીમાં ફસાયેલા જોવા મળ્યા હતા. ભારે વરસાદને કારણે નાશિકના સિન્નર તાલુકાના કાંકોરી ગામમાં જામ નદીનું જળસ્તર વધી ગયું છે. નદીના પુલ ઉપરથી પાણી વહી રહ્યું છે. ગ્રામજનોને આ પુલથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.