નર્મદા જિલ્લામાં ભારે વરસાદ, રાજપીપળામાં અનેક વાહનો તણાયા, અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા
રાજપીપીળાઃ નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ બરોબરનો જામ્યો છે. જિલ્લાના 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. અનેક વિસ્તારો પાણીથી તરબોળ થઈ ગયા છે. રાજપીપળામાં અનેક વાહનો તણાયા હતા. તેમજ રાજપીપળા અને ડેડીયાપાડાને જોડતો રસ્તો પણ ધોવાયો હતો. તેમજ રસ્તા પર કેડસમાં પાણી ભરાયા હતા.
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. નગરના ખાડા ફરિયા, કાછિયાવાડ, સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જિલ્લાના તિલકવાડા તાલુકાનું પૂછપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. ગામ નજીક આવેલા કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સ્થાનિક રહીશો તેમજ વિદ્યાર્થીઓ માટે આ એક માત્ર રસ્તો હોય તે ધોવાઈ જતાં સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત ગરુડેશ્વર તાલુકાના નધાતપુરા ગામ પણ સંપર્ક વિહોણું બન્યું હતું. આ ગામમાં 400 જેટલા મકાનો આવેલા છે અને 5 હજાર જેટલી વસ્તી ધરાવે છે. જેઓ અસરગ્રસ્ત બન્યા હતા. નર્મદા જિલ્લાના લાછરસ ખાતે મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા અને ગામ વચ્ચે તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ભારે વરસાદના કારણે રાજપીપળાથી ડેડીયાપાડાને જોડતો રસ્તો પણ ધોવાયો હતો. માર્ગ ઉપર મોટા મોટા ગાબડાં પડી ગયા હતા. જેના કારણે વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી. ભારે વરસાદના કારણે રાજપીપળામાં અનેક વાહનો પણ તણાયા હોવાના દ્રશ્યો પણ સોશ્ય મિડિયામાં વાયરલ છયા હતા. સમગ્ર દિવસ દરમિયાન પણ વરસાદ સતત ચાલુ રહ્યો હતો.
નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસતા નર્મદા જિલ્લાના અનેક ગામો અસરગ્રસ્ત બન્યા છે. જિલ્લાના પાંચ તાલુકાઓમાં વરસેલા વરસાદના આંકડાઓ ઉપર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં સાગબારા તાલુકામાં 8 ઇંચ, ડેડીયાપાડા તાલુકામાં 8 ઇંચ, તિલકવાડા તાલુકામાં 6 ઇંચ, ગરુડેશ્વર તાલુકામાં 6 ઇંચ અને નાંદોદ તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સ્થાનિકોના હાલચાલ પૂછ્યા હતા. તેઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ જરૂરી સૂચનો કર્યા હતા ઉપરાંત જેઓ અસરગ્રસ્ત છે તેઓને જરૂરી સહાય આપવાની સૂચના આપવામાં આવી હતી. જરૂર પડે લોકોનું સ્થળાંતર કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.