નેપાળમાં ભારે વરસાદઃ મોટી ગંડક નદીમાં પાણી છોડાતા યુપી-બિહારમાં પુરનું સંકટ
દિલ્હીઃ ભારતના પડોશી દેશ નેપાળમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેમજ જળાશયો પણ છલકાયાં છે. દરમિયાન નેપાળ દ્વારા મોટી ગંડક નદીમાં ચાર લાખ ક્યુસેક કરતા વધારે પાણી છોડતા નજીકમાં જ આવેલા ઉત્તરપ્રદેશ અને બિહારના કેટલાક રાજ્યોમાં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે. જેથી તંત્ર દ્વારા કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નેપાળે બુધવારે મોટી ગંડક નદીમાં 4.12 લાખ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરાયું છે. જેથી બાલ્મિકીનગરમાં સિંચાઈ માટે ગંડક નદી પર બનાવવામાં આવેલા બેરેજના તમામ 36 ફાટક ખોલવાની ફરજ પડી છે. નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે જેથી સિંચાઈ વિભાગે પૂર વિભાગને હાઈ એલર્ટ આપી દીધું છે. નેપાળથી નીકળતી રોહિણી નદી પણ જોખમના નિશાનને પાર કરી ગઈ હતી. ચંદન નદી, બિયાસ નદી અને પહાડી ચેનલ મહાવ પણ ડેન્જર લેવલ ઉપર વહી રહ્યા છે. મહાવ અને ઝરહી નદીમાં પૂરના કારણે 4-4 જગ્યાએ તટબંધ તૂટી ગયા છે. તેના કારણે ભારતીય સીમાવર્તી ઠૂઠીબારી અને બરગદવા ક્ષેત્રના અનેક ગામોમાં પાણી ભરાયા છે. ખૈરહવા ગામનો સંપર્ક માર્ગ પૂરના કારણે કપાઈ ગયો છે.
તિબેટના ધૌલાગિરિથી નીકળેલી ગંડક નદી નેપાળના ત્રિવેણીથી ભારતીય સરહદે યુપીના મહરાજગંજમાં પ્રવેશ કર્યા બાદ બિહાર જાય છે. આ નદીમાં 365.30 ફૂટે જોખમનું નિશાન આવે છે. મોટી ગંડકનું જળ સ્તર 360.60 ફૂટે રેકોર્ડ કરી ગયું હતું. રાપ્તી નદી પણ જોખમના નિશાનથી આશરે 2 મીટર નીચે છે. બેલસડ-રિગૌલી બાંધ પર રાપ્તી નદીમાં 78.30 મીટર પાણીનો ગેજ હતો. આ જોખમનું તળ 80.30 મીટર છે.