Site icon Revoi.in

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ, તલોદ, બાયડ 8 ઈંચ, દાંતીવાડા ડેમમાંથી 10,659 ક્યુસેક પાણી છોડાયું

Social Share

અમદાવાદઃ  ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોસ સર્જાયો છે. રવિવારે દિવસ દરમિયાન સાબરકાંઠાના તલોદ, અરવલ્લીના બાયડ અને ધનસુરા 8 ઈંચ વરસાદ તેમજ સાબરકાંઠાના પ્રાતિજમાં 7 ઈંચ, ગાંધીનગરના દહેગામમાં 5 ઈંચ, તથા બેથી ચાર ઈંચ સરેરાશ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દાંતીવાડા ડેમના 4 દરવાજા ખોલીને ડેમમાંથી 10,659 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હજુ પણ વધુ પાણી છોડવામાં આવવાની સંભાવના છે.

ઉત્તર ગુજરાતમાં રવિવારે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.. જિલ્લાના પાલનપુર, દાંતીવાડા, ડીસા, વડગામ, અમીરગઢ, કાંકરેજ, ભાભર, ધાનેરા, વાવ, થરાદના અનેક વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડ્યો હતો.  લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થતાં મુરઝાઈ રહેલા પાકને જીવતદાન મળતાં ધરતીપુત્રોમાં ભારે ખુશી છવાઈ છે તો બીજી તરફ પાલનપુરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ પાલનપુર -અંબાજી હાઇવે ઉપર ધનિયાણા ચોકડી નજીક મુખ્ય માર્ગ ઉપર એક ફૂટ જેટલા પાણી ભરાઈ જતા પાલનપુરથી દાંતા, અંબાજી અને વડગામ જતા તેમજ અંબાજીથી પાલનપુર તરફ આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. હાઇવે ઉપર અવારનવાર પાણી ભરાઈ જતા હોવાથી અનેક રજૂઆતો બાદ પણ પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન કરતાં વાહનચાલકોમાં રોષ છે તો બીજી બાજુ લાંબા સમય બાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા લોકો અને ખેડૂતોમાં ખુશી પ્રસરી છે.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેના કારણે પાલનપુર -અંબાજી હાઇવે પર પાણી ભરાયા છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર, અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડ્યો છે. જેને કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા છે. તો અનેક વિસ્તારો ડૂબાણમાં આવ્યા છે. આ કારણે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.  અરવલ્લી જિલ્લામાં ખુબ લાંબા વિરામ બાદ ફરી વરસાદે ધમાકેદાર બેટિંગ કર્યું. જેમાં બાયડ અને ધનસુરામાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબક્તા ચારેકોર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. રસ્તાઓ પરથી પણ પૂરની જેમ પાણી વહેતાં જોવા મળ્યાં હતાં. મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ભિલોડામાં અને મેઘરજમાં ધોધમાર વરસાદથી ખેડુતોમાં ખૂશી જોવા મળી હતી. સાબરકાંઠાના નેશનલ હાઇવે નંબર 8 પર પાણી ભરાયાં છે. દિલ્લી-મુંબઈને જોડતા નેશનલ હાઇવે 8 પર પણ પાણી ભારયા છે. હિમતનગરના મોતીપુરા, જીન વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયાં હતા. હિંમતનગર અને ઇડર હાઇવે પરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઢીંચણ સુધી ભરાયેલા પાણીમાં રાહદારી અને વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

હવામાન વિભાગે આજે સોમવાર અને મંગળવાર એમ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. તેના લીધે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. આખાયે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. (File photo)