Site icon Revoi.in

ઉત્તરભારતમાં ભારે વરસાદ, દિલ્હી, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં રેડ એલર્ટ

Social Share

નવી દિલ્હીઃ દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારો વરસાદમાં તરબોળ છે. છેલ્લા 48 કલાકથી ક્યારેક મધ્યમ તો ક્યારેક ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ દિલ્હી-એનસીઆરમાં કોઈ રાહત મળતી દેખાતી નથી. આજનો વરસાદ ઉત્તરાખંડમાં તબાહી મચાવી શકે છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પણ આ જ સંકેત આપી રહી છે. ખરાબ હવામાનને કારણે ગુરુવારે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી હતી.

આ રાજ્યોને ચેતવણી આપવામાં આવી હતી

ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી માટે યલો એલર્ટ, ઉત્તરાખંડ માટે રેડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ ઓડિશા, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે ચોમાસા અંગે તાકીદની ચેતવણી જારી કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન હવામાન પ્રણાલી ઉત્તર ભારતના પ્રદેશને આગામી નવ કલાક સુધી અસર કરશે. રાજસ્થાનમાં ધોલપુર અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે પાર્વતી ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે 50 ગામો મુશ્કેલીમાં મુકાયા છે.

આગામી સપ્તાહથી ચોમાસાનું પુનરાગમન

હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે દિલ્હીમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. આ દરમિયાન 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મહત્તમ તાપમાન 31 અને લઘુત્તમ 21 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. વિભાગનું કહેવું છે કે આગામી સપ્તાહથી દેશને થોડી રાહત મળશે. હવામાનશાસ્ત્રીઓ માને છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 19 અને 25 સપ્ટેમ્બરની વચ્ચે દેશમાંથી પાછું ખેંચવાનું શરૂ કરશે. તે સામાન્ય રીતે 1 જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં પહોંચે છે. તે 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર પશ્ચિમ ભારતથી દૂર જવાનું શરૂ કરે છે. 15 ઑક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પરત.

કેટલાક સ્થળોએ હળવાથી ભારે વરસાદ વરસ્યો

ભારતીય હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દેશમાં 1 જૂનથી ચોમાસાની સિઝનમાં 836.7 મીમી વરસાદ નોંધાયો છે. જે સામાન્ય વરસાદ કરતાં આઠ ટકા વધુ છે. પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં સામાન્ય કરતાં 16 ટકા ઓછો વરસાદ થયો છે, જ્યારે ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતમાં અનુક્રમે ચાર, 19 અને 25 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

48 કલાકમાં 47 લોકોના મોત થયા

દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદે 48 કલાકમાં 47 લોકોના જીવ લીધા. જેમાંથી ઉત્તર પ્રદેશમાં 32, મધ્ય પ્રદેશમાં 11 અને રાજસ્થાનમાં ચાર લોકોના મોત થયા છે. ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રાને રોકવાની સાથે રાજ્યમાં આજે ધોરણ 12 સુધીની તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત 14 રાજ્યોમાં વધુ ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.