અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. દરમિયાન દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. જેથી ડેમના 13 જેટલા દરવાજા ખોલીને દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી તાપી નદી બે કાંઠે વહી રહી છે. તેમજ નદી કિનારાઓના વિસ્તારમાં વસવાટ કરતા લોકોને સાબદા રહેવા તાકીદ કરવામાં આવી છે.
ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં સતત પડી રહેલા વરસાદને પગલે ડેમમાં મોટી માત્રમાં પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમની સપાટી 342.20 ફૂટ ને પાર થઈ ગઈ હતી અને ઉકાઈડેમની ભયજનક સપાટીની 345 ફૂટની નજીક પહોંચી જતા ડેમનું રૂરલ લેવલ મેટેન કરવા આજે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની માત્ર વધારી દેવામાં આવી છે. હાલ ઉકાઈ ડેમના 13 ગેટ ખોલી 1,50,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું. જેને પગલે તાપી નદી બે કાંઠે વહી રહી હતી તો તંત્ર દ્વારા તાપી નદી કિનારેના વિસ્તાર ના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.
સવારે સાત વાગ્યાથી જ ઉકાઇ ડેમના દરવાજા ખોલીને પહેલા 75,000 કયુસેક અને ત્યારબાદ વધારીને છેલ્લે 10 દરવાજામાંથી 9 ગેટ 4 ફૂટ અને એક ગેટ અઢી ફુટ ખોલીને 98,000 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું. અને બપોરના 12 વાગ્યા થી 1.50 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવાનું શરૂ પણ કર્યું હતું. અત્યારે ડેમના 13 દરવાજા ખોલાયા છે. જેથી સુરત જિલ્લા કલેકટર દ્વારા પણ તાપી નદીના કેચમેન્ટ વિસ્તારમાં અધિકારીઓને સાવચેત રહેવા પણ તાકીદ કરી છે.