Site icon Revoi.in

તમિલનાડુમાં ભારે વરસાદઃ વિજળી પડતા 3 વ્યક્તિઓના મોત

Social Share

બેંગ્લોરઃ તમિલનાડુમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ ચેન્નઈમાં વીજળી પડવાની ઘટનામાં 3 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. દરમિયાન ભારે વરસાદને પગલે ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. તમિલનાડુના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે. દરમિયાન રાત્રે તમિલનાડૂનાં ચેન્નઈમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદનાં કારણે રસ્તાઓ અને સબ-વે પાણીમાં ડૂબી ગયા હતા. શહેરના અનેક માર્ગો પર પાણી ભરાવાના કારણે લોકોને ટ્રાફિકજામનો સામનો કરવો પડ્યો હતો. સાંજે 6 થી 8:30 વાગ્યા સુધી શહેરનાં ઘણા વિસ્તારોમાં ખાસ કરીને માઉન્ટ રોડ, પૂનમલી રોડ પર ભારે વરસાદ જોવા મળ્યો હતો.

ચેન્નઈ શહેરમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ બાદ વીજળી પડવાથી ત્રણ લોકોનાં મોત પણ થયા છે. જ્યારે અન્ના નાગાટો વિસ્તારમાં વીઆર મોલની છતનો એક ભાગ પણ ધરાશાયી થયો છે. કમોસમી વરસાદનાં કારણે રાજ્યનાં ખેડૂતોની ચિંતામાં પણ વ્યાપક વધારો થયો છે. રાજ્ય સરકારનાં જણાવ્યા અનુસાર, ચેન્નાઈ અને તેની આસપાસનાં કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચિંગલપેટ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.