Site icon Revoi.in

ભાવનગર શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ, મેઘરાજાને ખમૈયા કરવા ખેડુતો પ્રાથના કરી રહ્યા છે

Social Share

ભાવનગર : ગોહિલવાડ પંથકને મેઘરાજા ઘમરોળી રહ્યા છે. હવે તો ખેડુતો પણ મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરી રહ્યા છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત મોડી રાત્રિથી ધોધમાર વરસાદનું આગમન થયું હતું, વીજળીના કડાકા ભડાકા સાથે 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે મહુવામાં 3 ઇંચ તેમજ જિલ્લાના વલભીપુર, જેસર અને શિહોર પંથકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉમરાળા, ગારિયાધાર, પાલીતાણા અને તળાજા તાલુકાના પંથકમાં પણ 1 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે.

ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ દરમિયાન કડાકા ભડાકા સાથે અનેક જગ્યાઓ પર વીજળી પડવાની ઘટના બની હતી. તો સાથે ભારે પવનના કારણે અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જિલ્લાના અનેક તાલુકાઓમાં હજુ પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. પરંતુ સારી વાત એ પણ છે કે શહેર અને જિલ્લામાં વરસાદ દરમિયાન જાનહાનિનો એક પણ બનાવ બનવા પામ્યો નથી. ભાવનગર શહેરમાં ગત રાત્રે 8.30 કલાક બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને સાઇક્લોનિક સર્ક્યુલેશન હેઠળ શહેરમાં વીજળીના કડાકાભડાકા શરૂ થયા બાદ શહેરમાં અનરાધાર વરસાદ ત્રાટક્યો હતો. માત્ર એક કલાકમાં તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે બે ઇંચથી વધુ વરસાદ ખાબકી જતાં શહેરમાં ઠેર ઠેર ગોઠણસમા પાણી ભરાઈ ગયાં હતાં. બીજી બાજુ, રાત્રે વીજળી ડૂલ થઈ જતાં રસ્તા પર નીકળેલા વાહનચાલકો અને રાહદારીઓ ખૂબ પરેશાન થયા હતા.    આ વરસાદે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ક્ષતિ ખુલ્લી પાડી દીધી હતી. અડધા શહેરમાં મોડી રાત સુધી વીજળીનો પુરવઠો ખોરવાયેલો રહેતા સાથે માર્ગોમાં ઠેર ઠેર મોટા મોટા ખાડા હોય બહાર નીકળેલાને ઘરે પહોંચવામાં ભારે હાડમારી ભોગવવી પડી હતી. ભાવનગર શહેરમાં તોફાની પવન સાથે મિની વાવાઝોડું હોય તેમ માત્ર એક કલાકના સમયગાળા દરમિયાન 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા વીજળી ડૂલ થઇ ગઇ હતી.