દહેરાદુન : ચોમાસાની ઋતુ શરુ થઇ ચુકી છે. દિલ્હીમાં તો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય હતી. દિલ્હી સહીત આસપાસના રાજ્યોમાં પણ વરસાદ વરસ્યો. ત્યારે હવે ઉત્તરાખંડના સમગ્ર કુમાઉ ડિવિઝનમાં મંગળવારે એટલે કે આજે પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પિથોરાગઢ, બાગેશ્વર, અલ્મોડા, ચંપાવત, નૈનીતાલ અને ઉધમ સિંહ નગરના ઘણા વિસ્તારોમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ છે. જો કે સમગ્ર રાજ્યમાં વરસાદ માટે યલો એલર્ટ છે.
હવામાન કેન્દ્રના નિર્દેશક બિક્રમ સિંહે જણાવ્યું કે, 18 જુલાઈના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદની શક્યતા છે. 19 જુલાઈએ વરસાદથી થોડી રાહત મળી શકે છે.
સવારે વરસાદના કારણે ઝારઝર ગાર્ડ પાસે કાટમાળના કારણે યમુનોત્રી હાઈવે બંધ થઈ ગયો હતો. તેમજ મનેરી ડેમ પાસે મલબાનથી ગંગોત્રી હાઈવે બંધ છે. બીજી તરફ, ભટવાડી બ્લોકના જાખોલ ગામમાં, સ્ટ્રોમ વોટર ડ્રેઇન ઓવરફ્લો થવાથી અને ભૂસ્ખલનને કારણે ખેતીને નુકસાન થયું છે. ત્યાં એક ટેમ્પો પલટી ખાઈને ઉંડી ખાડીમાં પડી ગયો હતો. બીજી તરફ, પહાડો પરથી ભારે કાટમાળના કારણે નંદપ્રયાગ અને છિંકા ખાતે બદ્રીનાથ હાઈવે બ્લોક થઈ ગયો છે.
હાઈવેની બંને તરફ યાત્રાળુઓ તેમજ સ્થાનિક લોકોના વાહનોની લાંબી લાઈનો જોવા મળે છે. NHIDCL દ્વારા હાઇવે ખોલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર નંદકિશોર જોશીએ જણાવ્યું કે હાઇવે ટૂંક સમયમાં ખોલવામાં આવશે.
રાજ્યમાં ભારે વરસાદ બાદ બંધ કરાયેલા રસ્તાઓ ખોલવા માટે સોમવારે 232 JCB મશીનો કામે લગાડવામાં આવ્યા હતા, પરંતુ આખા દિવસની મહેનત બાદ માત્ર 100 જ રસ્તાઓ ખોલવામાં આવ્યા હતા. હજુ પણ 275 રસ્તાઓ બંધ છે.