પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાએ ઉનાળા દરમિયાન પાણીની અછતનો વિકટ સામનો કર્યા બાદ હવે ચોમાસાના પ્રારંભથી જ બનાસકાંઠાવાસીઓ પુરતા વરસાદની આશા રાખી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે શુક્રવારથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠામાં અતિભારે વરસાદ પડવાની આગાહીને પગલે જિલ્લાના અધિકારીઓને પરવાનગી સિવાય હેડ ક્વાટર્સ ન છોડવા માટેનો આદેશ આપયો છે, તેમજ ભારે વરસાદને પગલે કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થાય તો તાત્કાલિક તપાસ કરી નિયમોનુસાર આગળની કાર્યવાહી કરવાની લેખિત જાણ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અમીરગઢમાં 55 MM, કાંકરેજમાં 02 MM, ડીસામાં 11 MM, થરાદમાં 04 MM, દાંતામાં 27 MM, દાંતીવાડામાં 10 MM, દિયોદરમાં 02 MM, ધાનેરામાં 13 MM, પાલનપુરમાં 21 MM, લાખણીમાં 07 MM અને વડગામમાં 18 MM સહિતના વિસ્તારોમા વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા સહિત કેટલાક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇ બનાસકાંઠા જિલ્લાનું વહીવટીતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. ભારે વરસાદને લઈ કોઈ મોટી હોનારત ન સર્જાય તે માટે પાલનપુર ડિઝાસ્ટર મામલતદારે જિલ્લાના તમામ નાયબ કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર અને લાઇસન અધિકારીઓને પરવાનગી સિવાય હેડ કવાર્ટર ન છોડવા માટેનો આદેશ આપ્યો છે. તેમજ કોઈ જગ્યાએ ભારે વરસાદના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થાય તો તાત્કાલિક સ્થળ તપાસ કરી નિયમો અનુસાર આગળની કાર્યવાહી કરવા માટે લેખિત જાણ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લા અત્યાર સુધીમાં 35.84 ટાકા એવરેજ વરસાદ નોંધાયો છે જેમાં જિલ્લાના તાલુકા વરસાદ જોઈએ તો અમીરગઢમાં 36.15 ટકા, કાંકરેજમાં 37.29 ટકા, ડીસામાં 34.47 ટકા, થરાદમાં 26.37 ટકા, દાંતામાં 45.3 ટકા, દાંતીવાડામાં 31.56 ટકા, દિયોદરમાં 46.10 ટકા, ધાનેરામાં 12.29 ટકા, પાલનપુરમાં 34.11 ટકા, ભાભરમાં 41.96 ટકા, લાખણીમાં 17.99 ટકા, વડગામમાં 45.10 ટકા, વાવમાં 30.82 ટકા અને સુઈગામમાં 53.73 એવરેજ વરસાદ બનાસકાંઠા જિલ્લાના તાલુકામાં નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં માત્ર આ સિઝનનો 35.85 ટકા વરસાદ જ નોંધાયો છે અને ત્રણેય જળાશયોમાં પણ હજુ સુધી નવા પાણીની આવક થઈ નથી ત્યારે ખેડૂતો પણ સારા વરસાદની આશા રાખીને બેઠા છે.