અમદાવાદઃ ગુજરાતમાં સોમાસા દરમિયાન એકંદરે સારો વરસાદ પડ્યો છે. રાજ્યમાં સીઝનનો 98 ટકા વરસાદ પડી ગયો છે. હવે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર તેમજ અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, દાહોદ અને પંચમહાલ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..
ગુજરાતમાં શ્રાવણ મહિનામાં પણ સારો વરસાદ પડ્યો છે. રાજ્યમાં હજુ વરસાદની સીઝન પૂર્ણ થઈ નથી. હવામાન વિભાગ દ્વારા આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હજુ પાંચ દિવસ રાજ્યમાં સારો વરસાદ પડશે. જેમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હવે ચોમાસાનો ત્રીજો રાઉન્ડ જોવા મળશે. આ વર્ષે ગુજરાતનું ચોમાસું પાણીદાર રહ્યું છે. તો બીજી તરફ, રાજસ્થાન-મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમથી ત્યાં અતિ ભારે વરસાદની આગાહી છે. જેના કારણે ગુજરાતના ડેમ અને નદીઓમાં પાણીની મોટી આવક થશે. આ વર્ષે પણ ગુજરાતના નદીનાળા છલકાશે
રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમાં મોહંતીએ જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સારો વરસાદ પડવાની શક્યતા છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. રાજ્યના હવામાન વિભાગ પ્રમાણે લો પ્રેસર સિસ્ટમ બની હોવાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે. કુલ પાંચ દિવસ રાજ્યમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે કહ્યું કે, ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવા લાગશે. એટલે કે શ્રાવણના અંત સુધીમાં ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઈ શકે છે.