અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સોમવારે 130 તાલુકામાં ઝાપટાંથી લઈને ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના ઉંમરગામમાં ચાર ઈંચ, સાબરકાંઠાના હિંમતનગરમાં સાડા ત્રણ ઈંચ, અને અમરેલીના બગસરામાં ત્રણ ઈંચ વસાદ પડ્યો હતો. ખાસ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં વરસાદ પડતા ખરીફ પાકને ફાયદો થશે.
બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શુક્રવાર સુધી ભારે વરસાદની આગાહી છે. કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતમાં હજુ સુધી સીઝનનો 76 ટકા વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડતા ખેડુતોમાં ખૂશી જોવા મળી છે. સાબરકાંઠામાં ખેડબ્રહ્મા, વડાલી, રવિપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો ધોધમાર વરસ્યો છે. વડાલીમાં એક જ કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. ખેડબ્રહ્માના રાધીવાડા, મેત્રાલ, માતાજીકંપામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હિંમતનગરના ગાંભોઇ, રૂપાલ, ગાંધીપુરા અને વાવડીમાં પણ વરસાદ થતા ખેડૂતોમાં હરખની લાગણી ફરી વળી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા, લાખણી અને ડીસામાં ધોધમાર વરસાદ વરસતા બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા અને મુખ્ય રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા થયા હતા. મોડે મોડે પણ મેઘરાજા પધારતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે અને આગામી દિવસોમાં સારા વરસાદની આશા સેવવામાં આવી છે. ગુજરાતમાં અત્યારસુધી સરેરાશ 76.21 ટકા વરસાદ પડ્યો છે, જેમાં કચ્છમાં 125.60 ટકા, ઉત્તર ગુજરાતમાં 62.59 ટકા, સૌરાષ્ટ્રમાં 71.05 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 65.68 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 87.39 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગ દ્વારા વલસાડ-દમણ, ડાંગ-નવસારી-વલસાડ-દમણ, ડાંગ-નવસારી-વલસાડ-દમણ-અમરેલી-ભાવનગર-બોટાદમાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ,વડોદરા, જૂનાગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આગામી પાંચ દિવસ અન્યત્ર, જ્યાં ભારેથી અતિભારે ભારે વરસાદ પડી શકે છે. એમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, તાપી, સુરત, ભરૂચનો પણ સમાવેશ થાય છે.